લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
2079
અમદાવાદમાં તાજેતરમાં અપડેટ થયેલી વોટર લિસ્ટમાં નવા નાગરિકોના નામ ઉમેરાતા સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ શરૂ થઈ છે. ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા અને હવે ભારતીય નાગરિક બનેલા લોકો મતદાર તરીકે જાેડાતા ચૂંટણીના ગણિતમાં ફેરફારની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્યારે આ વર્ષે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી અમદાવાદ વસેલા ૧૪૬૧ ભારતીય નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણીપંચે ૧ એપ્રિલનાં રોજ ફાયનલ યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. વર્ષ ૨૦૦૨ પછી ૨૦૨૫માં સર કામગીરી થતાં લાખો મતદારોનાં નામોમાં મોટો ફેરફાર થયો છે. વર્ષ ૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં શહેરના ૪૮ વોર્ડમાં કુલ ૨૪૧૪૨૫૬ પુરુષ અને ૨૨૧૦૨૧૪ મહિલા મતદારો તેમજ ૧૬૮ અન્ય મતદારો મળી કુલ ૪૬૨૪૬૩૮ મતદાર હતા. વર્ષ-૨૦૨૬ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ ૨૩ માર્ચના રોજ જે વોર્ડ વાઈસ મતદાતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ૮ લાખથી વધુ મતદારોનો ઘટાડો જાેવા મળ્યો છે. જૂના મતદારો ૪૬.૨૪ લાખ,ડ્રાફ્ટમાં ૩૮ લાખ મતદારો નોંધાયા હતા. ત્યારે ૧૭ થી ૧૮ ટકા મતદારો ઘટી જતા રાજકીય પક્ષોને ચૂંટણી લડવામાં ઘણી મહેનત કરવી પડશે તેમ જણાઈ રહ્યું છે. શહેરમાં ૪૮ વોર્ડમાંથી ૪૫ વોર્ડમાં મતદારો ઘટ્યા છે, જ્યારે ૩ વોર્ડમાં સંખ્યા વધી છે. ખાસ કરીને સૌથી વધુ નવરંગપુરા વોર્ડમાં ૩૦૦૦૦ જેટલા મતદારો ઘટ્યા છે. ત્યારે મતદાર લિસ્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી અહીં વસેલા ૧૪૬૧ જેટલા ભારતીય નાગરિકો આ વર્ષે ચૂંટણીમાં મતદાનનો ઉપયોગ કરી પોતાની પસંદગીના ઉમેદવારને ચૂંટવામાં મહત્વનો ભાગ ભજવશે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૭માં ૧૮૭, ૨૦૧૮માં ૨૫૬, ૨૦૧૯માં ૨૦૫, ૨૦૨૦માં ૬૫, ૨૦૨૧માં ૨૧૨, ૨૦૨૨માં ૧૧૦, ૨૦૨૩માં ૧૧૪, ૧૬-૩-૨૦૨૪માં ૧૮, ૧૧-૧૨-૨૦૨૪ સુધીમાં ૫૫, ૨૦૨૫માં ૭૩ લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર મળતા મત આપી શકશે. સરકારનાં ૨૦૧૬ અને ૨૦૧૮નાં ગેઝેટથી ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ જિલ્લાના કલેક્ટરને અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો લઘુમતી સમુદાય જેવા કે, હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા કાયદો ૧૯૫૫ મુજબ ૧૪૬૧ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. વોટર લિસ્ટમાં ભારતીય નાગરિકોનો ઉમેરો થતાં કેટલાક વોર્ડમાં મતદારોનું બેલેન્સ બદલાઈ શકે છે. જ્યાં માર્જિનથી હાર-જીત નક્કી થાય છે ત્યાં અસર વધુ દેખાશે તેવી શક્યતા છે. રાજકીય પક્ષો તેમને નવી વોટ બેંક તરીકે જાેઈ શકે છે. ખાસ કરીને ચૂંટણી કેમ્પેઈન, સંપર્ક સાધવો તેમજ પ્રભાવ વધારવાનો હોય. અમદાવાદમાં નવા નાગરિકોના વોટર લિસ્ટમાં સમાવેશથી ચૂંટણીનું ગણિત માત્ર સંખ્યામાં નહીં પરંતુ નેરેટિવમાં પણ બદલાઈ રહ્યું છે. આવનારી ચૂંટણીમાં આ ફેક્ટર કેટલો અસરકારક સાબિત થશે તે જાેવું મહત્વપૂર્ણ રહેશે.