31, જુલાઈ 2020
990 |
બિહારમાં ભારે પૂર આવ્યું છે અને તેનો કહેર જારી છે ત્યારે લોકપ્રિય રિયાલીટી શો બિગ બોસની 12મી સિઝનમાં ભાગ લેનારા સિંગર દીપક ઠાકુરને પણ અસર થઈ છે. તેનું ગામ અને તેનું ઘર પણ પૂરની લપેટમાં આવી ગયું છે. દીપક બિહારના મુઝફ્ફરપુર સ્થિત આધર ગામનો રહેવાસી છે.
દીપકે ઇન્સ્ટાગ્રામ પર તેના ગામમાં આવેલા પૂર અને તેના ઘરના ભયાનક ફોટો અને વીડિયો શેર કર્યો છે. દીપક આ સમયમાં પણ અસરગ્રસ્ત લોકોને રાશન આપી રહ્યો છે. હવે તેણે સોશિયલ મીડિયા મારફતે બિહારના લોકો માટે મદદની માગણી કરી છે.
દીપકે આ ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે અમારા ગામ આધર, મુઝફ્ફરપુરન લોકો પૂરને કારણે બેહાલ બની ગયા છે. મારું ઘર પણ અસરગ્રસ્ત છે. અહીના લોકો એક એક દાણા માટે તડપી રહ્યા છે. અહીંના લોકો બરબાદ થઈ ગયા છે. તેમની તમામ ચીજો તણાઈ ગઈ છે. અમે એકલા કાંઈ કરી શકીશું નહીં, જનતાથી મોટા કોઈ નથી. મેં મદદ માટે માગણી કરી છે પ્લીઝ તમે અમારી મદદ કરો.
દીપકે પોતાની પોસ્ટમાં ઘણી હસ્તીઓને ટેગ કરી છે જેમા સલમાન ખાન અને સોનુ સૂદ ઉપરાંત સિદ્ધાર્થ શુક્લા, કરણવીર બોહરા, મીકા સિંઘ, મનોજ બાજપાઈ, મનોજ તિવારી, પંકજ ત્રિપાઠી અને અક્ષય કમારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ ટેગ કર્યા છે.