વડોદરા, તા.૫

શહેરના વાસણા-ભાયલી રોડ પર સલૂનની ભાડે દુકાન ચલાવતા અને નાગરવાડા આંબલી ફળિયામાં રહેતો મનોરોગી ૩૩ વર્ષીય યુવાને બપોરના સમયે દુકાને જતી વખતે ભેદી સંજાેગોમાં આવેશમાં આવી જઈને અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર પોતાની બાઈક પાર્ક કરીને વિશ્વામિત્રીન દીમાં મોતની છલાંગ લગાવી હતી. નદીકિનારે બેઠેલા મગરે શિકાર માટે યુવાન પર તરાપ મારી હતી, જેથી તેને બૂમાબૂમ કરતાં ઝુંપડાવાસીઓએ દોડી આવીને મગરના મુખમાંથી બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે આવે એ પહેલાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ૧૦૮ મારફત લઈ જવાયો હતો. આ બનાવની જાણ સ્વજનોને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

આ અંગે મળતી વિગત મુજબ શહેરના નાગરવાડા આંબલી ફળિયામાં રહેતો અને ઓટોરિક્ષા ચલાવતા રાજેન્દ્રભાઈ નાઈનો પરિણીત પુત્ર મયુર રાજેન્દ્રભાઈ નાઈ (ઉં.વ.૩૩) શહેરના વાસણા-ભાયલી રોડ પર જસલુક નામની હેર સલૂન દુકાન ભાડે ચલાવે છે. તે છેલ્લાં ૧૦-૧પ વર્ષથી મનોરોગીથી પીડાતો હોવાથી તેની સારવાર પણ ચાલી રહી હતી. તેની ભત્રીજીની આજે બર્થ-ડે હોવાથી હેપ્પી બર્થ-ડેની શુભેચ્છા આપી બાઈક લઈને દુકાને જવા નીકળી ગયો હતો. બપોરના સમયે ઘરે જમવા આવ્યા બાદ પરત દુકાને જતી વેળાએ અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર બાઈક પાર્ક કરીને તેને આવેશમાં જઈને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. વિશ્વામિત્રી નદીના કિનારે બેઠેલા એક મગર પાસે પડતાં મગરે યુવાન ઉપર તરાપ મારી હતી, જેથી તેને બૂમાબૂમ કરી મૂકી હતી. આ ઘટનાની જાણ ઝુંપડાવાસીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા અને મગરના મુખમાંથી બચાવ્યો હતો. તેને ૧૦૮ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવની જાણ પરિવારજનોને કરાતાં તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.