મુંબઇ
'બાહુબલી' સ્ટાર પ્રભાસનો 23 ઓક્ટોબરના રોજ 41મો જન્મદિવસ છે. સોશિયલ મીડિયામાં ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે, પ્રભાસે ચાહકોને એક અપીલ કરી હતી. પ્રભાસે કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે ચાહકો પોતાની મહેનતની કમાણીમાંથી તેના પોસ્ટર કે બેનર લગાવીને ખોટાં ખર્ચ કરે.
વધુમાં પ્રભાસે કહ્યું હતું, 'હું મારા ચાહકોને માત્ર એક જ અપીલ કરું છું. કેટલાક લોકો દૈનિક મજૂરી કરે છે. જો મારી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેઓ બેનર કે પછી ટિકિટ પાછળ 500 કે 1000 રૂપિયાનો ખર્ચ કરે છે. પ્લીઝ આવું ના કરો. એક બિરયાની પેક કરાવો અને પરિવાર સાથે જમો. મને આનાથી વધુ ખુશી મળશે.' પ્રભાસ હાલમાં ઈટલીમાં 'રાધે શ્યામ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
પ્રભાસે પોતાની 18 વર્ષની કરિયરમાં ઘણી હિટ ફિલ્મ આપી છે, જેમાં ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ 'બાહુબલી' પણ સામેલ છે. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. પ્રભાસે 18 વર્ષની કરિયરમાં પાંચ વર્ષ માત્ર 'બાહુબલી'ને આપ્યા હતા.
રાજમૌલિની આ ફિલ્મ પાછળ પ્રભાસે અનેક ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. પ્રભાસને બદલે અન્ય કોઈ એક્ટર હોત તો આટલો લાંબા સમય કોઈ એક ફિલ્મને આપત નહીં. જોકે, પ્રભાસે પોતાની કરિયરના પાંચ વર્ષ આ ફિલ્મને આપ્યા અને આ દરમિયાન એક પણ પ્રોજેક્ટ હાથ પર લીધો નહીં. આ અંગે એકવાર પ્રભાસે કહ્યું હતું કે તે રાજમૌલિ તથા 'બાહુબલી'ને પાંચ તો શું સાત વર્ષ પણ આપી શકે તેમ હતો.
પ્રભાસે 2002માં તેલુગુ ફિલ્મ 'ઈશ્વર'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મથી પ્રભાસને કોઈ ખાસ ઓળખ મળી નહોતી. 2004માં આવેલી ફિલ્મ 'વર્ષમ'થી પ્રભાસ લોકપ્રિય બન્યો હતો. ત્યારબાદ પ્રભાસે 'પૌર્ણમિ', 'યોગી', 'મુન્ના', 'બિલ્લા', 'એક નિરંજન' જેવી ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું.
પ્રભાસનું સાચું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે. પ્રભાસ ફૂડી છે અને તેણે અનેક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તે એક્ટર તરીકે સફળ ના હોત તો તે હોટલ બિઝનેસમાં જાત અને પોતાની હોટલ શરૂ કરત.
Loading ...