લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026 |
વડોદરા |
2079
જૂના વડોદરાનો વિસ્તાર એવા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ ૧૪માં ડ્રેનેજની અવાર- નવાર સમસ્યા સર્જાય છે. ત્યારે ગત રાત્રીના ડ્રેનેજની સફાઈ માટે કાઉન્સિલરો દ્વારા જેટિંગ મશીન મંગાવવામાં આવ્યું હતું જાે કે એક જ વોર્ડમાં બે અલગ અલગ સ્થળોએ કામગીરી કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા અને મે જેટીંગ મશીન મંગાવ્યુ હોવાનું કહેતો વિડિયો વાઈરલ થયો હતો. જાેકે, મહિલા કોર્પોરેટરો વચ્ચે જાહેરમાં તૂ..તૂ.. મે..મે.. થતા સ્થાનિક રહીશો પણ અચરજમાં મુકાયા હતા.
શહેરના વોર્ડ ૧૪માં આવેલા વાડી, મોગલવાડા, બરાનપુરા, ધડિયાળી પોળ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છે. આ અંગેની ફરિયા સ્થાનિક કોર્પોરેટરોને મળી હતી. જેથી વડોદરા મ્યુનિ, કોર્પોરેશન દ્વારા ગત રાત્રીના સમયે જેટિંગ મશીન મોકલવામાં આવ્યુ હતુ. ભાજપના કોર્પોરેટર ્અંકિતા સોની અને દિપીકા પટ્ટણી સ્થળ પર સ્થળ પહોંચ્યા હતા. જ્યાં ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ વચ્ચે તુતું મેંમેં થઈ હતી. બંને પક્ષના કોર્પોરેટરો દ્વારા આ મશીન મેં મંગાવ્યું છે અને પહેલા મારા વિસ્તારમાં કામગીરી થશે તેમ કહીનેે શાબ્દિક તડાફડી સર્જાઈ હતી. જાે કે એક કામ પૂર્ણ થયા બાદ આ મશીન બીજા સ્થળે મોકલવામાં આવ્યું હતું.
મશીન આવ્યા બાદ પહેલા ક્યાં કામગીરી કરાવવી તેના માટે અને ભાજપ તેમજ કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવી જતા ત્યાં ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા.જાેકે, આ અંગે વોર્ડના એન્જિનિયરે કહ્યું હતુ કે, ગત રાત્રે વોર્ડમાં બે જેટીંગ મશીન ડ્રેનેજની સફાઈ માટે મંગાવવામાં આવ્યા હતા. જેમાં એક રાવપુરા- દાંડિયાબજાર વિસ્તારમાં અને બીજુ ધડિયાળી પોળ- મોલગવાડા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી કરવાની હતી. મશીન કોઈ કાઉન્સિલરને ફાળવતા નથી. જે વિસ્તારની ફરિયાદ હોય ત્યાં કામગીરી માટે મોકલવામાં આવે છે તેમ કહ્યું હતુ.
ચૂંટાયેલા પ્રતિનિધિની આખા વોર્ડની જવાબદારી હોય છે. વોર્ડની સમસ્યા એ તમામ કોર્પોરેટરોની નિરાકરણ લાવવાની ફરજ છે. પણ શું ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પોત પોતાના વિસ્તાર વહેંચી લીધા છે? તેવા પણ સવાલો લોકોમાં ઉઠ્યા છે.