ભાવનગર,તા.૨૬

ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર જાેવા મળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ તકે ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, અમે બન્નેએ બલૂન ઉડાડ્યાં તે બલૂન ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. બીજી તરફ શક્તિસિંહ ગોહિલે સત્તા પડાવવા નહીં પણ સેવા માટે તમામને આવવા આમંત્રણ આપ્યું હતું.ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ તથા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત કાૅંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે સહિતના રાજકીય નેતાગણ, કલેક્ટર, કમિશનર, અગ્રણી, મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગારંગ ઈનોગ્રેશન સમારોહ સાથે ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અમે સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું. બે બલૂન હતાં. જેમાં એક બલૂન મારા હાથમાં અને એક બલૂન શક્તિભાઈના હાથમાં હતું. અહિં તો અમે થોડા દૂર ઊભા હતા. પણ આ બન્ને બલૂન થોડા ઉપર જઈને એકસાથે થઈ ગયાં હતાં. તે સંકેત આપે છે કે ભાવનગરના વિકાસમાં અમે સાથે છીએ. બધા ફેસ્ટિવલમાં મંદી આવે પણ આ એક જ ફૂડ ફેસ્ટિવલ એવો જેમાં ક્યારે મંદી ના આવે, બધા વતી આ ફેસ્ટિવલ હરહંમેશાં તેજી રહે તેવી શુભેચ્છાઓ આપું છું.બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ખૂબ આનંદની વાત છે કે ભાવનગરમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે. રાજકારણમાં વિચારધારા બધે અલગ અલગ હોય છે, આ એક પરંપરા છે જેમાં કોઈ દુશ્મનાવટ નથી. હું તો બધાને આમંત્રણ આપું છું કે, સત્તા પડાવવા નહીં પણ સેવાની સાધનાનો આ યજ્ઞ છે જેમાં પેજ પ્રેસિડેન્ટ હોય, પેજ પ્રમુખ હોય કે નાનો કાર્યકર હોય તે પણ આવે તો એને આવકારું છું.વધુમાં જણાવ્યું કે, કમનસીબે ભાજપની સરકાર સંપૂર્ણ વિકાસની ચિંતા કરતી નથી, જેના પરિણામે જે શહેરોમાં ખરેખર વિકાસ થવો જાેઈએ તે થતો નથી. જે જિલ્લામાં રોજગારીની જરૂર છે જે અવિકસિત જિલ્લાઓ છે ત્યાં ઉદ્યોગો જાય તો વિકાસ થાય આ પ્રકારના સંપૂર્ણ વિકાસની ચિંતા થાય તો જ ભાવનગરનો વિકાસ થાય અને તો જ બીજા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાનો વિકાસ થાય.