લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
1980
લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ભાજપનાં બહુચચિર્ત નેતા અમિતસિંહ રાજપૂત અંગે ફેસબુક પર બિભત્સ, બદનામી કારક પોસ્ટ મૂકયા બાદ એ ડિલીટ કરવા એક લાખ રૂપિયાની માંગણી કરી ૧૦,૦૦૦ પડાવી લેનાર અરુણ પાઠક અને મોહન કનોજીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે સેફરોન બંગલોઝમાં રહેતાં અમિતસિંહ જમનાસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મહાનગર પાલિકામાં સાશક પક્ષ નેતા રહી ચૂકેલા અમિતસિંહ રાજપૂત આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે. ગોડાદરાના એસ. કે. નગરમાં કાર્યાલય ધરાવતા અમિતસિંહ ૨૪મી તારીખે ચૂંટણી પ્રચાર સાથે સોશિયલ મીડિયા થકી મતદારો સાથે સંવાદ કરી રહ્યા હતાં.
આ દરમિયાન રાજપૂતનાં ધ્યાને આવ્યું હતું કે, અરુણ પાઠક નામની ફેસબુક આઇડી ધરાવતા વ્યક્તિએ તેમના અંગે એક પોસ્ટ મૂકી હતી. ખૂબ બિભત્સ શબ્દો સાથે લખાણ મૂક્યું હતું. પાઠકની બીજી પોસ્ટમાં ઈતના ભ્રષ્ટાચાર ઇતને અચ્છે કુકર્મ કરને કે બાદ ભી ભાજપાને ઐસે ઇંસાન કો ટીકીટ દિયા જો ગોડાદરા લીંબાયત કી જનતા કો ... સમઝતા હૈ, ‘ જાગો નાગરિક જાગો આપ કયા ચાહતે હો, કલ કો યહ દોગલા બીજેપી કા નેતા અમિતસિંહ રાજપૂત આપકે ઉપર રાજ કરે, આપકો ભીખ માંગને પર મજબુર કરે એવું લખાણ હતું.
અરુણ પાઠકે ત્યારબાદ ‘ટિકિટ સ્કેમર, નારી શક્તિ કા બલાત્કારી, આજ ગોડાદરા ડિંડોલી પર ભાજપા કી ટિકટ પર રાજ કરને જા રહા હૈ, જનતા જનાર્દન કો અપના પરિચય બતાના ચાહિયે’ જે મુજબની પોસ્ટ પણ મૂકી હતી. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં ‘જે વ્યકિત સત્તા માટે પોતાના બાળકને ભુલી શકે છે તે જનતાને વેચવા માટે કોઇ કસર બાકી ના રાખશે, ગોડાદરાની જનતા જાગૃત થાઓ, આવા નેતાઓને ઓળખો‘ એવું લખ્યું હતું. આ ઉપરાંત પણ અભદ્ર શબ્દપ્રયોગ કરી વ્યક્તિગત માનહાનિ કરતી પોસ્ટ પાઠકે મુકી હતી.
આ પોસ્ટ વાંચી ત્યારે અમિતસિંહને યાદ આવ્યું કે, અરુણ પાઠકે દસેક દિવસ અગાઉ તેમને કોલ કરી ચૂંટણી બાબતે વાતચીત કરવા સાથે તેમના રાજકીય છબી ખરડાય એવી વાતો કરી પૈસાની માંગણી કરી હતી. જો કે, એ સમયે તેઓ પ્રચારમાં વ્યસ્ત હોય એ કોલ બાબતે વધુ ધ્યાન આપ્યું ન હતું.
ત્યારબાદ અરુણ પાઠકનાં મળતીયા મોહન કનોજીયાએ અમિતસિંહ સાથે રહેતાં રિન્કુસિંહને કોલ કર્યો હતો. એ કોલમાં કનોજીયા સાથે પાઠકે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમિતસિંહ વિરૂદ્ધની તમામ પોસ્ટ ડીલીટ કરવી હોય તો અમને એક લાખ રૂપિયા આપવા પડશે. જેથી રિન્કુએ તેમને હાલ હું ૧૦ હજાર ટ્રાન્સફર કરાવું છું તમે પોસ્ટ ડિલીટ કરી દો એવી વાત કરી હતી. જેથી મોહન કનોજીયાએ રિન્કુને સ્કેનર મોકલ્યું હતું. જેમાં રિન્કુએ પહેલા એક રૂપિયા, પછી ૧૦૦ અને ત્યારબાદ ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.
આ પૈસા લીધા બાદ અરૂણ પાઠકે ફકત એક જ પોસ્ટ ડીલીટ કરી હતી. આ પોસ્ટ ડીલીટ કર્યાનું તેણે વીડિયો કોલથી બતાવ્યું પણ હતું. ત્યારબાદ ૨૫,૦૦૦ મોકલો તો બીજી પોસ્ટ ડિલીટ કરું એમ કહી વધુ પૈસાની માંગણી કરાઇ હતી. જેથી અમિતસિંહ રાજપૂતે અરુણ પાઠક અને મોનજ કનોજીયા સામે ગોડાદરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.