20, મે 2022
396 |
વડોદરા, તા.૧૯
છેતરપિંડી અને હુમલાના ગુનામાં સંડોવાયેલો ભાજપાનો પુર્વ વિદ્યાર્થી નેતા હર્ષિલ લીંબાચિયા સામે વધુ એક વાર છેતરપિંડીનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. શહેર ભાજપાના અગ્રણીઓ સાથે ઘેરાબો હોવાનો રોફ મારીને અત્યાર સુધી લોકો સાથે છેતરપિંડી કરી હોવા છતાં પોલીસ પકડથી દુર રહેતા હર્ષિલની આ વખતે માંજલપુર પોલીસે મિત્ર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં ધરપકડ કરી લોકઅપ ભેગો કરતા જ ભાજપા અગ્રણીઓએ પણ વિવાદમાં પડવાથી બચવા માટે હર્ષિલને મદદગારી કરવાથી દુર રહેવાનું મુનાસીબ માન્યુ છે.
કલાલી વિસ્તારના સિધ્ધેશ્વર હેવનમાં રહેતો પુર્વ વિદ્યાર્થી નેતા અને ભાજપાનો અગ્રણી હર્ષિલ લીંબાચિયા સામે અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા છે. જાેકે શહેરના ભાજપા અગ્રણીઓ સાથે ઘેરાબો રાખતો હોઈ અને તેઓની સાથે વિવિધ કાર્યક્રમો દરમિયાન ફોટા પાડેલા હોઈ આ ઓળખાણ અને ફોટા બતાવી તે શહેરીજનો સાથે પોલીસ સામે પણ રોફ મારતો હતો. દરમિયાન થોડાક સમય અગાઉ હર્ષિલને પ્રોફાઈલ કાર્સના માલિક યોગેશ પાટીલ સાથે પરિચય થતાં તે તેમની ઓફિસ અવારનવાર જતો હતો અને મિત્રતાના નાતે તેણે યોગેશ પાટીલ પાસેથી ૯ લાખમાં સેકન્ડ હેન્ડ સ્કોડા ઓક્ટોવિયા કાર ખરીદી હતી. કાર ખરીદી પેટે તેણે ૨.૧૯ ચુકવ્યા બાદ ૩.૯૦ લાખનો ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો જેથી યોગેશ પાટીલે તેની પાસે બાકીના ૬.૮૧ લાખની માગણી કરી હતી. જાેકે માથાભારે હર્ષિલે શરૂઆતમાં પૈસા આપવા માટે ગલ્લા તલ્લા કર્યા બાદ યોગેશભાઈએ ફોન કરતા અપશબ્દો બોલી ધમકી આપી હતી કે હવે બાકીના પૈસાની ઉઘરાણી કરીશ તો ખોટા કેસમાં ફસાવી દઈશ.. તારાથી થાય તે કરી લે, તને પૈસા નહી મળે..એવી ધમકી આપી હતી. આ અંગેની યોગેશ પાટીલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હર્ષિલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેને લોકઅપ ભેગો કર્યો હતો.
માથાભારે હર્ષિલ પાઈપ સાથે ઝડપાતાં હથિયારબંધીનો ગુનો
ભાજપા અગ્રણી હર્ષિલ લીંબાચિયા અગાઉ છેતરપિંડી સાથે મારામારીના ગુનામાં સંડોવાયેલો માથાભારે આરોપી છે. આજે માંજલપુર પોલીસે તેની અટકાયત કરતા તેની પાસેથી લોખંડની પાઈપ મળી આવી હતી. જાેકે પાઈપ રાખવા બદલ તેની પાસે કોઈ વાજબી કારણ ના હોઈ પોલીસે તેની સામે હથિયારબંધીનો પણ વધુ એક ગુનો નોંધ્યો હતો.
જેતપુરના ભાજપા મહામંત્રીનું પણ ૯૦ હજારનું કરી નાખ્યું
હર્ષિલ લીંબાચિયાની ધરપકડ થઈ હોવાની જાણ થતાં જ રાજકોટમાં રહેતા જેતપુર ભાજપાના મહામંત્રી વિપુલભાઈ સંચાલિયા અત્રે દોડી આવ્યા હતા. તેમણે માધ્યમોને જણાવ્યું હતું મારે પેટ્રોલીયમ સ્ટોરેજ માટે લાયસન્સની જરૂર હોઈ અને આ લાયસન્સ માત્ર વડોદરામાં મળતું હોઈ મને હર્ષિલ લીંબાચિયાએ ૧.૧૦ લાખમાં લાયસન્સ અપાવવાની ખાત્રી આપી હતી. મે તેને ૯૦ હજાર આપતા તેણે મને ઓનલાઈન સ્લીપ મોકલી હતી પરંતું તપાસ કરતા આ સ્લીપ બોગસ હોવાની મને જાણ થતાં મે હર્ષિલ સામે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજની ફરિયાદ માટે અરજી કરી હતી.