બાયડ,તા.૨૯  

બાયડ નગરપાલિકાની સામાન્ય સભા બુધવારે યોજવામાં આવી હતી. જેમાં પાલિકાના ચીફ ઓફિસરની સતત ગેરહાજરીના વિરોધમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

 આ બાબતે ભાજપ સભ્યોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ પણ બે યોજાયેલી ત્રણ મિટિંગમાં ચીફ ઓફિસરની સતત ઘેર હાજરી જોવા મળી હતી. જેનો જે તે વખતે પણ ભાજપાના સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. તેમ છતાં પાલિકા સત્તાધીશો દ્વારા સભ્યોના વિરોધની ધરાર અવગણના કરી બહુમતીના જોરે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં સામાન્ય સભાઓ યોજવામાં આવી હતી. ચીફ ઓફિસરની કચેરીમાં અને સામાન્ય સભામાં ગેરહાજરીના પરિણામે નગરના વિકાસના કામો પર પણ વિપરીત અસર પડી રહી છે. પ્રજાના પાલિકાના અટવાઇ જતા નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. બીજી તરફ ચીફ ઓફિસરની કાર્ય પદ્ધતિથી પણ લોકો અને સભ્યો ત્રાસી ગયા છે. ભાજપના સભ્યોએ જણાવ્યું હતું કે,કોઈપણ નાગરિકો આકારણી, આવકનો દાખલો અને ખાસ ગટર લાઈનને લગતા અનેક પ્રશ્નો માટે પાલિકામાં જાય તો ભાઈને મળવું પડશે તેવા ઉડાઉ જવાબ મળે છે, તો આ ભાઈ છે કોણ ? તે નગરની પ્રજા જાણવા માગે છે, આ ભાઈ નગરપાલિકામાં ચૂંટાયેલા છે કે કેમ એક પ્રશ્ન છે. ચીફ ઓફિસર કે જેમની સતત ગેરહાજરીથી પણ પ્રજાને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઇ ભાજપના સભ્યો દ્વારા આ અંગે પ્રાદેશિક કમિશ્નરની કચેરીનો સંપર્ક કરી ચીફ ઓફિસર અને ભાજપ સભ્યોની ગેર હાજરીનો લાભ લઇ મનસ્વી રીતે સભા પાંચ મિનિટ મા પુરી કરી દેતા હોય આ સભા પણ રદ કરવા રજૂઆત કરી હતી.