લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026 |
2376
ભાજપ શાસનનાં ૩૦ વર્ષનાં શાસનમાં સુરત મહાનગર પાલિકાનો વિસ્તાર વધ્યો, વસતી વધી, બજેટનો વ્યાપ વધ્યો પરંતુ શહેરીજનોની સમસ્યાઓ તો ઠેરની ઠેર જ રહી. ડબલ અને ત્રિપલ એન્જિનનાં શાસનમાં વિકાસની દુહાઇ દેવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાનો વેરો ભરનાર શહેરીજનોને નિરંતર ગુણવત્તાવાળી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી તેના વિશે ચૂંટણીની જાહેરસભામાં ભાજપનાં નેતાઓ કેમ કંઇ બોલતા નથી. સુરત મહાનગર પાલિકાનું બજેટ ૧૧,૦૦૦ કરોડને પાર પહોંચી ગયું છે પણ એ બજેટમાં વિકાસ કામો માટે જે ફાળવણી કરવામાં આવે છે તેને પણ પહોંચી વળાતું નથી. દર વર્ષે ચોમાસામાં નવા બનાવેલાં રસ્તાઓ તૂટીને ખાડાગ્રસ્ત બની જાય, દર વર્ષે ખાડીપૂર આવે એટલે લોકોએ મુંગામોંઢે સહન કરી લેવાનું. રસ્તાઓની ખરાબ ક્વોલિટી અંગે આજદિન સુધી એક પણ કોન્ટ્રાક્ટરને બ્લકલિસ્ટ કર્યો હોવાનું યાદ નથી. કોન્ટ્રાક્ટરની કેટલી તરફેણ કરવી તે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલથી વધારે કોણ જાણી શકે. ગ્રીનડિઝાઇનને કોન્ટ્રાક્ટ અપાવવા સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો તેનાથી કોઇ અજાણ નથી. ખજાેદનાં વેસ્ટ ડિસ્પોઝલ સાઇટનાં કોન્ટ્રાક્ટર નુરૂદ્દિનને ખરાબ કામગીરી માટે ૭૦ જેટલી નોટિસો ફટકારાઇ પરંતુ તેને બ્લેકલિસ્ટ કરવાની હિંમત ભાજપ શાસકોએ દાખવી નથી એટલું જ નહીં, નુરૂદ્દિનનાં સુપુત્રને વાપી નગરપાલિકાની ટીકિટ આપીને શિરપાવ પણ ભાજપ નેતાગીરીએ આપ્યો એટલે ભ્રષ્ટાચારનો સડો કેટલે ઉંડે સુધી ખુપી ગયો છે તેની સાબિતી મળે છે. એક પણ ટેન્ડર વ્યવહાર વિના મંજૂર થતું નથી, ભાજપનાં ચૂંટાયેલાં નેતા-પદાધિકારીઓની ચૂંટણી એફિડેવિટ ચકાસીએ તો પણ ભ્રષ્ટાચારનાં વિકાસની સાબિતી મળી શકે છે. મહાનગર પાલિકામાં પાંચ વર્ષનાં શાસન દરમિયાન જ આ પદાધિકારીઓએ પોતાની બેંક બેલેન્સ અને મિલકતમાં જે વિકાસ કર્યો છે તેવો વિકાસ સામાન્ય પ્રજાજનોનો નથી થતો.
સુરતની પ્રજા ખરેખર અતિસહિષ્ણુ છે એટલે શાસકપક્ષનાં નેતાઓ હેમખેમ જાહેરમાં ફરી શકે છે. રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ગુણવત્તા સાથે નિરંતર આપવાની શાસકોની મુખ્ય જવાબદારી હોય છે પરંતુ તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મેન્ડેટરી ના હોય તેવા પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને માત્ર વાહવાહી મેળવનાર ભાજપ શાસકો પ્રજાલક્ષી નહીં પરંતુ પ્રોજેક્ટલક્ષી વિચારસરણી પાછળ દોડી રહ્યાં છે. પ્રાથમિક સુવિધાઓનાં સો ટકા લક્ષ્યાંક સિદ્ધ થયાં નથી. સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલાં બે નગર પાલિકા અને ૨૭ ગામડામાં ચાર વર્ષ પછી પણ લોકોની સુખાકારીમાં કોઇ જ બદલાવ આવ્યો નથી ત્યારે વિકાસની વાતો હવા ભરેલાં ફુગ્ગા જેવી લાગે છે. લોકોને જે સુવિધાઓ જાેઇએ છે તેમાં કોઇ સુધારો નથી થયો એટલે ચૂંટણીટાંણે વિકાસ બતાવવા માટે ડેડએન્ડ જેવા ભેસ્તાન બ્રિજનું ઉતાવળે ઉદ્ધાટન કરી શાસકોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું તો હવે છેલ્લા છેલ્લા દિવસોમાં મેટ્રોરેલ અને ડબલડેકર બસનાં ટ્રાયલ રનનું નાટક પણ કરવામાં આવ્યું. વિકાસ એટલે લોકોની સુકાકારીની સુવિધાનો વિકાસ હોય પરંતુ તેવો વિકાસ તો થયો નથી ત્યારે વિકાસનાં નામે ભાજપ શાસકો મત માગી શકે તેવી સ્થિતિમાં નથી. સેવાને બદલે પ્રસિદ્ધિ અને એવોર્ડને શાસનનો લક્ષ્યાંક બનાવીને વહિવટ કરવામાં આવતો હોવાથી અધિકારીઓ પણ નાગરિકોની સેવા-સમસ્યાઓની અવગણના કરતાં થઇ ગયાં છે. સુરત મહાનગર પાલિકાનાં વહિવટમાં ભ્રષ્ટાચારનો વિકાસ થયો અને સાથે સાથે ભાજપનાં કોર્પોરેટરો અને નેતાઓનો પણ આર્થિક વિકાસ થયો છે.