ગાંધીનગર-

ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે મળેલી બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠક વધુ દિવસ ચાલશે. જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંબંધી અન્ય નિર્ણયો લેવાઇ શકે છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, "આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંસદીય બોર્ડની શરૂઆત થઇ હતી. જેમાં મહાનગર અને ત્યારબાદ તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સૌ આગેવાનો સાથે ચર્ચાની શરૂઆત થઇ છે અને બધાને સાંભળવાની શરૂઆત થઇ છે.

આ સાથે પાર્ટીમાં સંકલન સમિતી અને પાર્લામેન્ટરી બોર્ડમાં કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે. પાર્ટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાને ટિકિટ આપવામાં નહી આવે, 3 ટર્મથી વધુ ચૂંટાનારાને ટિકિટ આપવામાં નહી આવે તેમજ કોઇ પણ આગેવાનના કોઇ પણ સગાને ટિકિટ આપવામાં નહી આવે. આ પ્રકારનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને ખુબ સારા રિસપોન્સ સાથે ચયન પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. જો કે પ્રમુખ સીઆર પાટિલ આ નિર્ણયો કેમ લેવામાં આવ્યા તે અંગે હાલ કોઇ સ્પષ્ટ કરી નહતી. પરંતુ એટલું જણાયું કે પક્ષ લેવલે આ નિર્ણય આવકારવામાં આવી રહ્યા છે.