દિલ્હી-

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં બુધવારે મોડી રાતે ભાજપના યુવા મોરચાના એક કાર્યકરની લાકડી અને ડંડા વડે માર માર્યા બાદ ચપ્પાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ તે વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે તણાવ વ્યાપી ગયો છે જેથી મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવું પડ્યું છે. જાણવા મળ્યા મુજબ રામ મંદિર માટે ફાળો ઉઘરાવવાને લઈ વિવાદ થયો હતો અને બાદમાં હત્યા થઈ હતી.

જાે કે, મૃતકના પરિવારજનોએ દશેરા વખતે રામમંદિર પાર્કમાં પ્રોગ્રામને લઈ બીજા સમુદાયના લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને તેને લઈ યુવકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકના નાના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધીને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

મૃતકની ઓળખ રિંકૂ શર્મા (25) તરીકે કરવામાં આવી છે. તે પોતાના માતા-પિતા અને બે નાના ભાઈઓ સાથે મંગોલપુરી બ્લોકમાં રહેતો હતો અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. મૃતકના ભાઈ મનુએ જણાવ્યું કે, તેમના ઘરથી થોડે દૂર રહેતા નસરૂદ્દીન, ઈસ્લામ, જાહિદ અને મેહતાબ સાથે તેમના પરિવારને દશેરા વખતે રામમંદિર પાર્કમાં પ્રોગ્રામને લઈ બબાલ થઈ હતી. ત્યાર બાદ તમામ આરોપીઓ તેમને જીવથી મારી નાખવાની ધમકી આપતા હતા. બુધવારે મોડી રાતે ચારેય આરોપી બીજા કેટલાક લોકોને સાથે લઈને રિંકૂના ઘરે આવ્યા હતા અને દશેરાની ઘટનાનો ઉલ્લેખ કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. રિંકૂ અને મનુએ તેમનો વિરોધ કર્યો એટલે લાકડી વડે હુમલો કરી દીધો હતો અને બાદમાં ચપ્પાના ઘા મારીને રિંકૂની હત્યા કરી નાખી હતી.