અમદાવાદ-

રાજકોટ મહાપાલિકાની આગામી તા. ર1 ફેબ્રુઆરીએ યોજનારી ચૂંટણી પહેલા જ વોર્ડ નં.1માંથી કોંગ્રેસના એક સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થઇ જતા વિરોધ પક્ષને મોટો ફટકો પડયો છે. મેન્ટેડમાં અને ફોર્મમાં ડખ્ખાના કારણે આવી સ્થિતિ ઉભી થતા અને અમુક કેસમાં તો સામાન્ય કાર્યકર્તા પણ ઉપયોગ કરી શકે તેવી બુદ્ધિનો ઉપયોગ ન કરવામાં આવતા માત્ર રાજકોટ નહીં પરંતુ પ્રદેશ કક્ષાએ પણ અમુક માથાઓ સામે સવાલ ઉઠવા લાગ્યા છે. વાત આટલેથી પુરી થતી ન હોય તેમ આવતીકાલે બપોર સુધીમાં વધુ બે ફોર્મ પાછા ખેંચાય જાય તેવી હવાથી કોંગ્રેસ છાવણી ધુ્રજવા લાગી છે. અમદાવાદમાં શાહપુર વોર્ડમાં ભાજપના ત્રણ ઉમેદવારો જોખમમાં : પ્રોપર્ટી ટેકસ ભર્યો નથી

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો સામે ભાજપે વાંધા ઝુંબેશ છેડી છે તો અમદાવાદમાં શાહપુરમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ત્રણ ઉમેદવારોએ પ્રોપર્ટી ટેકસ નહીં ભર્યો હોવાથી તેમના ફોર્મ રદ થવા જોઇએ તેવી રજુઆત કોંગ્રેસે કરી છે જિલ્લા કલેકટર સમક્ષ પુરાવા સાથે અરજી આપી છે. ચૂંટણી લડતા ઉમેદવાર પાસે સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાનું લેણુ ન હોવું જોઇએ તે નિયમ છે અને જો ભાજપના ઉમેદવારોનો ટેકસ ખરેખર નહીં ભરાયો હોય કે કોઇ ટેકનીકલ મુદો નહી હોય તો તેમના ફોર્મ રદ થઇ શકે છે.