વડોદરામાં બે દિવસ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, માર્ચ 2026  |   વડોદરા   |   2277

વડોદરા કોર્પોરેશની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મૂરતિયાંઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરી દીધો છે. ૧ એપ્રિલ અને ૨ એપ્રિલના રોજ તમામ વોર્ડના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવશે. જેને માટે શહેરના જુદાજુદા વિસ્તારોના ચાર-ચાર પાર્ટી પ્લોટ બે દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. નિરીક્ષકોની એક ટીમ છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી-૧૩ના રિધ્ધી-સિધ્ધી પાર્ટી પ્લોટમાં વોર્ડ-૧, ૨,૩, ૭,૧૪ના દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. જ્યારે નિરીક્ષકોની બીજી ટીમ ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસેના સત્યમ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૪, ૫, ૬, ૧૩, ૧૫ના દાવેદારોને સાંભળશે. નિરીક્ષકોની ત્રીજી ટીમ તરસાલી વિસ્તારના જે કે પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૧૬,૧૭,૧૮,૧૯ના દાવેદારોના સેન્સ લેશે. અને નિરીક્ષકોની ચોથી ટીમ વાસણા રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં વોર્ડ - ૮, ૯,૧૦,૧૧,૧૨ના દાવેદારોના સેન્સ લેવાના છે. આ વખતે સેન્સની આખી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવશે.

નિરીક્ષકોને મળ્યા પછી સંકલનની બેઠક ક્યારે મળશે?

વડોદરામાં ભાજપના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયાને સિક્રેટ મિશન તરીકે જાેવાઈ રહી છે. આખીય પ્રક્રિયામાં ગુપ્તતા જળવાઈ રહે અને છેલ્લે સુધી ઉમેદવારોના ફાઈનલ લિસ્ટનું પેપરલીક ના થઈ જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, ૧ એપ્રિલ અને ૨ એપ્રિલે વડોદરાના તમામ વોર્ડના બધા જ દાવેદારોના સેન્સ લીધા પછી સંકલનની બેઠક ક્યારે મળશે ? સામાન્ય રીતે દાવેદારોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો અને ધારાસભ્યો-સાંસદની સંકલનની બેઠક મળતી હોય છે. પણ આ વખતે સંકલનની બેઠક મળશે કે કેમ ? તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

ચૂંટણી લડવી હોય તો જ આવજાે, બીજાની ભલામણ માટે નહીં!!

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે નિરીક્ષકોનો રોલ મહત્વનો રહેશે. એટલે વડોદરાના ટિકીટવાંચ્છુઓએ ખાસ ધ્યાન રાખવુ પડશે કે, તેમના વાણીવિલાસ કે, વર્તનથી નિરીક્ષકો નારાજ ના થઈ જાય..!! આ વખતે એટલુ તો સ્પષ્ટ છે કે, જેને ચૂંટણી લડવી હશે તેને જ સેન્સ પ્રક્રિયામાં એન્ટ્રી અપાશે. બીજાની ભલામણ કે, ચાપલૂસી કરનારાઓને સેન્સ પ્રક્રિયામાંથી આઉટ કરી દેવામાં આવશે.

ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા

શહેરના જૂના અને જાણીતા નેતાઓમાં ચૂંટણીને લઈને સળવળાટ શરુ થયો છે. તેમને તથા તેમના અંગત કાર્યકરોને ટિકીટ મળી રહે તે માટે પાર્ટીની અંદર એક નવું જૂથ ઉભુ થયુ છે. આ વખતે શહેર ભાજપનું જૂનું સંગઠન સુનિલ સોલંકીના ખભે બંદૂક ફોડે તેવી શક્યતા ઉભી થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક વૈભવી ફાર્મહાઉસમાં ભાજપના સિનિયર નેતાઓની એક ગુપ્ત મિટીંગ યોજાઈ હતી. જેનો એજન્ડા મહત્તમ ટિકીટ મેળવવાનો હતો. કહેવાય છે કે, મિટીંગમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે, આ વખતે સુનિલ સોલંકી સહિત ૧૦ ટિકીટો જૂના કાર્યકર-નેતાઓને આપવામાં આવે. સુનિલ સોલંકીને વોર્ડ - ૮માં ટિકીટ આપવામાં આવે અને ચૂંટણી જીત્યા પછી એમને મેયર પણ બનાવવામાં આવે. વડોદરાના સિનીયર નેતાઓની આ રજૂઆત મોવડી મંડળ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે.

લોકહિત કે પાર્ટીહિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપનારાને વડોદરાના માથે ફરી થોપી દેવાશે?

વડોદરા કોર્પોરેશનના ગત બોર્ડમાં મોટાભાગના એવા કાઉન્સિલરો હતા જે લોકહિત કે, પાર્ટીના હિતને બદલે સ્વહિતને પ્રાધાન્ય આપતા હતા. આ વખતે આવા સ્વાર્થી કાઉન્સિલરોની ટિકીટ કપાશે ? કે પછી એમને વડોદરાના માથે ફરી એકવાર થોપી દેવાશે ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે. ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં વડોદરાના હિતને કેન્દ્ર સ્થાને રાખવુ જાેઈએ. અને કાઉન્સિલરની ખુરશીને પૈસા કમાવવાનું માધ્યમ ગણતા પૂર્વ કોર્પોરેટરોને ઘર ભેંગા કરી દેવા જાેઈએ.

ગોડફાધરોની પગચંપી કરનારાને મલાઈ આરોગવાની ફરી તક મળશે?

ગયા વખતે ભાજપના ૬૦ કાઉન્સિલરો ચૂંટણી જીત્યા હતા. પણ મોટાભાગના કાઉન્સિલરોની સ્થિતિ એવી છે કે, એમને એમના મતદારો પણ ઓળખતા નથી. અલબત્ત, એમના જ વોર્ડના લોકો એમના નામ સુધ્ધા જાણતા નથી. સ્વાભાવિક છે કે, મોટાભાગના કાઉન્સિલરો પ્રજાની વચ્ચે રહેવાને બદલે ગોડફાધરોની પગચંપીમાં વ્યસ્ત રહે છે અને તેને લીધે જ તેમની મતદારો વચ્ચે મૌજુદગી નામશેષ રહી છે. હવે, સવાલ એ ઉભો થાય છે કે, શું આ વખતે આવા પૂર્વ કાઉન્સિલરોની ટિકીટ કપાશે કે, પછી ગોડફાધરોની પગચંપી કરનારાઓને ફરીથી મલાઈ આરોગવાની તક મળશે?

અમે કોર્પોરેટરની નહીં, ચેરમેનની ટિકિટ માગવાના છીએ!

આવતીકાલે ભાજપના કેટલાય કાર્યકરો-નેતાઓ આગામી ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ મેળવવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાના છે. પણ મનોજ પટેલ, અજીત દધીચ, નીતિન દોંગા, હિતેન્દ્ર પટેલ અને ડો. શીતલ મિસ્ત્રી જેવા પૂર્વ કાઉન્સિલરો સ્થાયી સમિતીના ચેરમેનની ટિકીટ માંગવા જતા હોય તેવુ લાગી રહ્યુ છે. આ તમામ નેતાઓના ટેકેદારો તેમને અત્યારથી જ ચેરમેન સાહેબ તરીકે સંબોધી રહ્યા છે. તેમના ગોડફાધરોનો આત્મવિશ્વાસ પણ બુલંદી પર છે. એમને એવુ જ છે કે, આ બધાને ટિકિટ તો મળવાની જ છે પણ ચૂંટણી જીત્યા પછી સ્થાયી સમિતીના ચેરમેનનું પદ પણ મળી જ જવાનુ છે.

ભાજપની ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા

વડોદરા ભાજપમાં ઉમેદવારો નક્કી કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલુ કઠીન છે. આવા કઠિન કામને આંતરિક હૂંસાતૂંસી વધારે અઘરું બનાવે છે. આ વખતે પણ ટિકીટના વિતરણમાં ચૂંટાયેલી પાંખ અને સંગઠન સામસામે આવે તેવી શક્યતા છે. સ્વાભાવિક છે કે, ટિકીટ બાબતે અંદરોઅંદરની ખેંચતાણ શરુ થશે અને અસંતોષ પણ ઉભો થશે. આવામાં વચગાળાનો રસ્તો કેવી રીતે કાઢવો ? તેનો ર્નિણય મોવડી મંડળ નક્કી કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution