વડોદરા, તા.૨૩

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશનમાં વર્ષ ૨૦૧૮માં ડામરના બોગલ બિલો રજૂ કરીને થયેલા રોડ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થતાં કોન્ટ્રાક્ટરને દિવ્ય સિમંધર કન્સ્ટ્રકશન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોન્ટ્રાક્ટરે બચવા માટે હાઈકોર્ટનું શરણું લેતાં ફાવટ આવી ન હતી અને હાઈકોર્ટે મેટર ડિસ્પોઝ કરીને કોર્પોરેશને ફરી સુનાવણી કરવા આદેશ કરતાં સિટી એન્જિનિયરે સુનાવણી કરીને બ્લેકલિસ્ટ કરવાનો હુકમ યથાવત્‌ રાખ્યો હતો.

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશનમાં વર્ષ ૨૦૧૮માં રોડ કૌભાંડ થયું હતું જેમાં કોન્ટ્રાકટર દિવ્ય સિમંધર કન્સ્ટ્રકશન કંપનીના તુષાર શાહે ડામર ખરીદીના આઈઓસીએલના બોગસ બિલો રજૂ કર્યા હતા. જે તે સમયે કોન્ટ્રાકટર સામે પોલીસ નોંધાઈ હતી અને તત્કાલીન કમિશનર અજય ભાદૂએ બોગસ બિલો રજૂ કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાનો હુકમ કર્યો હતો.

જાે કે, કોન્ટ્રાકટરે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્પોરેશનને કોન્ટ્રાકટરને ફરી સાંભળવા આદેશ કર્યો હતો. સિટી એન્જિનિયરે હાઈકોર્ટના આદેશ મુજબ રોડ કૌભાંડ અંગે સુનાવણીમાં કોન્ટ્રાક્ટર તુષાર શાહે આડકતરી રીતે આઈઓસીએલ નહીં બીજાે ડામર વાપર્યો હોવાની કબૂલાત કરતાં દિવ્ય સિમંધર કન્સ્ટ્રકશન કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે તા.૩૧-૧૨-૨૦૧૮ના રોજ કરેલ હુકમ કાયમ રાખવા ઠરાવ્યું હતું.

ચોરી કરીને છટકબારી કરવાનો ખેલ જ તુષાર શાહ માટે ગાળિયો બન્યો!

નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ સિટી એન્જિનિયરે કરેલી સુનાવણી બાદ કરેલા હુકમમાં એમ પણ જણાવ્યું છે કે, સુનાવણીમાં દિવ્ય સિમંધર કંપનીના ડાયરેકટર તુષાર શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સુનાવણીમાં રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીઓની હાજરીમાં તુષાર શાહે લેખિતમાં પત્ર દ્વારા રજૂઆત કરી હતી. જેમાં તેણે આઈઓસીએલના ડામર કરતાં ઈમ્પોર્ટેડ ડામર મંગાવી રસ્તા બનાવ્યા હોવાનું કબૂલ્યું હતું. આમ આડકતરી રીતે બોગસ બિલો રજૂ કર્યાનું કબૂલી ચોરી કરીને છટકબારી કરવાનો ખેલ જ ગાળિયો બન્યો હતો.

કૌભાંડી કોન્ટ્રાકટર તુષાર શાહ સામે પોલીસ ફરિયાદ થઈ હતી

કોર્પોરેશનમાં રોડનું કામ કરતા કોન્ટ્રાકટર દિવ્ય સિમંધર કન્સ્ટ્રકશન કંપનીના તુષાર શાહે વર્ષ ૨૦૪૮માં થયેલ રોડ કૌભાંડમાં બીજાે ડામર વાપરીને આઈઓસીએલના બોગસ બિલો રજૂ કરવામાં આવ્યા હોવાની જાણ થતાં જે તે સમયે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો.