વડોદરા, તા. ૭

સારવારના બહાને છોટાઉદેપુર સબ જેલમાંથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવ્યા બાદ સયાજીગંજ વિસ્તારની પુજા હોટેલમાં પત્ની અને પુત્રીને મળવા માટે જાપ્તાના પીએસઆઈ સાથે ગયેલો ખુંખાર કેદી અને હરજાણી ગેંગનો શાર્પશુટર અનિલ ગંગવાણી ઉર્ફ એન્થોની પોલીસને ચકમો આપી પરિવાર સાથે ફરાર થવાના બનાવમાં સયાજીગંજ પોલીસે એન્થોની તેમજ જાપ્તાના પીએસઆઈ સહિત ૮ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન આ બનાવની તપાસમાં જાેડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસમાં એન્થોની પરિવારને અજ્ઞાત સ્થળે છોડ્યા બાદ તેના સાગરીત સાથે બાઈક પર ફતેગંજથી હરણીરોડ પર ગયા બાદ હાલોલ તરફ ફરાર થયાના સગડ મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ખેડુતને ચુકવણી માટે નકલી ચલણી નોટો આપી તેમજ મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં છોટાઉદેપુર પોલીસે મુકેશ હરજાણી ગેંગનો શાર્પશુટર અને ખુંખાર આરોપી અનિલ ઉર્ફ એન્થોની મુલચંદ ગંગવાણીની ધરપકડ કરી તેને છોટાઉદેપુરની સબ જેલમાં મુક્યો હતો. એન્થોનીએ જેલમાંથી ભાગી જવા માટે સાગરીતો સાથે કાવત્રુ ઘડ્યું હતું જે મુજબ તે ગઈ કાલે જેલના અન્ય બે કેદીઓ સાથે છોટાઉદેપુર પોલીસ હેડક્વાટર્સના પોલીસ જવાનોના જાપ્તા હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જાેકે હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને ૧૧મી તારીખે આવવાનું કહેતા તેણે જાપ્તાના પીએસઆઈ ડામોર સાથે ગોઠવણ કરી હતી અને પોતાની પુત્રી અને પત્નીને મળવા માટે પીએસઆઈ સાથે ખાનગી અર્ટીકા કારમાં સયાજીગંજની પુજા હોટલમાં ગયો હતો. હોટેલમાં તે પીએસઆઈ અને તેના સાગરીતો સાથે રૂમમાં બેઠો હતો જે દરમિયાન તેની પત્ની,બહેન અને પુત્રી પણ હોટલમાં આવતા એન્થોની હોટલની અન્ય ખાલી રૂમમાં તેઓને મળવા ગયો હતો અને તક મળતા જ પીએસઆઈની નજર ચુકવી તે પરિવાર સાથે ફરાર થયો હતો.

આ સમગ્ર બનાવની છોટાઉદેપુર પોલીસ હેડક્વાટર્સના પીઆઈ આર.સી.રાઠવાએ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ ઉર્ફ એન્થોની ગંગવાણી, જાપ્તાના પીએસઆઈ જે.પી.ડામોર તેમજ એન્થોનીની પત્ની સુમનબેન, બહેન જયશ્રીબેન, અર્ટીકા કારનો ચાલક સાદીક મકરાણી, સન્ની પંચોલી તેમજ પુજા હોટલના મેનેજર સુનિલ પુજાભાઈ પરમાર અને હોટલનો રૂમ બોય મનિષ દિનેશ મેકવાન સામે પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો તેમજ કાવત્રુ ઘડીને પોલીસ જાપ્તામાંથી કેદીને ભગાડવામાં મદદગારી કરવાનો ગુનો નોંધ્યો હતો.

આ બનાવમાં સયાજીગંજ પોલીસે જાપ્તાના પીએસઆઈ જે.પી.ડામોર તેમજ હોટલના મેનેજર અને રૂમબોય સહિત ત્રણેયની અટકાયત કરી હતી અને તેઓના આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા મોડી સાંજે ત્રણેયની ધરપકડ કરાઈ હતી.

બીજીતરફ આ કેસની તપાસમાં જાેડાયેલી ક્રાઈમ બ્રાન્ચને એવી ચોંકાવનારા પુરાવા મળ્યા છે કે એન્થોની તેના પરિવારને અજ્ઞાત સ્થળે મુકીને તેના સાગરીત સાથે બાઈક પર ફતેગંજથી હરણી તરફ ભાગ્યો છે. જાેકે તે હરણીથી હાલોલ-ગોધરા તરફ ગયો હોવાનું અનુમાન હોઈ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી તેના સાગરીતના સગડ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

એન્થોનીને રસ્તામાંથી જ ભગાડવાનો પ્લાન હતો ?

એન્થોનીએ જાપ્તામાંથી ફરાર થવા માટે કંવાટમાં રહેતા મિત્ર સન્ની પંચોલી અને છોટાઉદેપુરમાં રહેતા કારચાલક સાદીક મકરાણી સાથે કાવત્રુ ઘડ્યું હતું અને તે મુજબ એન્થોની સબજેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ સરકારી એમ્બ્યુલન્સમાં બેસતા જ સન્ની અને સાદીકે જીજે-૩૪-બી-૫૪૦૦ નંબરની અર્ટિકા કારમાં એમ્બ્યુલન્સનો પીછો કર્યો હતો. તેઓએ રસ્તામાં કોઈ હોટલ પર એમ્બ્યુલન્સ ચા-નાસ્તો કરવા ઉભી રહે તો ત્યાંથી જ એન્થોનીને ભગાડવાનો પ્લાન હતો તેવું મનાય છે પરંતું તેવી તક નહી મળતા તેઓએ પુજા હોટલ ખાતે એન્થોનીના પરિવારને બોલાવીને પ્લાનને સફળ બનાવ્યો હતો.

એન્થોનીની બહેન જયશ્રીના ફરાર થવાની પતિને જાણ નથી

એન્થોની અને અન્ય આરોપીઓને શોધવા માટે સયાજીગંજ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમો બનાવીને તપાસ શરૂ કરાઈ છે. પોલીસ તપાસમાં એન્થોનીના હરણીરોડ પર સંવાદ ક્વાટર્સવાળું મકાન ગઈ કાલથી બંધ હોવાની તેમજ એન્થોનીની બહેન જયશ્રી જેની સાસરી ગોધરામાં છે પરંતું તે પણ કેટલાક સમયથી અત્રે એકલી રહેતી હોઈ અને તે વારંવાર મકાન બદલી નાખતી હોઈ તે છેલ્લે ક્યાં રહેતી હતી તેનું સરનામુ પોલીસને મળી શક્યું નથી. બીજીતરફ પોલીસે ગોધરામાં રહેતા જયશ્રીના પતિની પુછપરછ કરી હતી જેમાં પત્ની સાથે વિખવાદ હોઈ તેની પત્ની હાલમાં ક્યાં છે તેની ખબર નથી તેમ જણાવ્યું હતું.

અર્ટિકા કાર સયાજીમાં બિનવારસી મળી

એન્થોની સયાજી હોસ્પિટલમાંથી જાપ્તાના પીએસઆઈ અને તેના બે સાગરિતો સાથે અર્ટીકા કારમાં પુજા હોટલમાં ગયો હતો પરંતું ત્યાંથી તે ફરાર થઈ જતા જાપ્તાના પીએસઆઈ રાઠવા ગુંચવાયા હતા અને તે તુરંત આ જ કારમાં સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. જાેકે તેમને સયાજી હોસ્પિટલમાં છોડ્યા બાદ કારચાલક સહિત બંને સાગરીતો પણ કારને સયાજી હોસ્પિટલમાં છોડીને ફરાર થયા હતા. આ કાર આજે બિનવારસી હાલતમાં મળતા તેને ક્રાઈમ બ્રાન્ચે આજે કબજે કરી હતી.

પીએસઆઈ રાઠવા અગાઉ પણ પૂજા હોટલમાં રોકાયેલા

એન્થોનીને સહિસલામત રીતે ભગાડવામાં જેમનો સિંહફાળો છે તે જાપ્તાના પીએસઆઈ જયંતિભાઈ પુજાભાઈ ડામોર છોટાઉદેપુર પોલીસ હેડક્વાટર્સમાં ફરજ બજાવતા હોઈ તે વારંવાર જાપ્તા લઈને વડોદરા આવે છે અને તે અગાઉ પણ જાપ્તો હોવા છતાં આરામના બહાને મોજમઝા કરવા માટે પુજા હોટલમાં આવતા હોવાની વિગતો પોલીસને સાંપડી છે. વારંવાર પુજા હોટલમાં આવતા હોઈ તેમની હોટલના મેનેજર સાથે ઘનિષ્ટ મિત્રતા છે.