વડોદરા, તા.૬

હત્યા અને સેક્સકાંડના આરોપીને જાપ્તામાં લઈ જઈ પરત વિમાનમાં લાવવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સેન્ટ્રલ જેલમાં ખૂનખાર કેદીઓ દ્વારા સ્માર્ટ ફોનના ઉપયોગથી પડાયેલા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર જાગી છે. થોડાં મહિના અગાઉ જ જેલમાં હત્યા પણ થઈ હતી. ત્યારે જેલના સત્તાવાળાઓની ગુનેગારો સાથે મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો બહાર આવી છે.

અગાઉ સેન્ટ્રલ જેલમાં રહેલા ખૂનખાર કહેવાતા કેદી હુસેન સન્ની અને સાગરિત સુલતાને જેલના બેરેકમાં જ રહી અન્ય કેદીઓ સાથે ફોટો સેશન કરી સ્માર્ટ ફોનના ઉપયોગથી આ ફોટા બહાર મોકલ્યા હતા, એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. દારૂના વ્યવસાયમાં પાવરધો અને પોલીસ ઉપર હુમલા પણ કરી ચૂકેલો હુસેન સન્ની અગાઉ પોલીસ કસ્ટડીમાંથી અનેક વાર ભાગી ચૂકયો પણ છે.

લૉકડાઉન દરમિયાન ટ્રેનમાં બેસી શહેર પોલીસતંત્રની હપ્તાબાજીની વિગતો જાહેર કરી પકડવા માટેનો પડકાર ફેંકતો વીડિયો હુસેન સન્નીએ વાયરલ કર્યો હતો અને કારેલીબાગમાં મારી આ જગ્યાએ આ ભાવથી દારૂ મળશે, લેવા આવનારને કોઈ પકડે નહીં એવું વીડિયોમાં બોલ્યો હતો. જેને લઈને શહેર પોલીસની ખાસ્સી એવી બદનામી થઈ હતી. જાે કે, કારેલીબાગ પોલીસે એને ઝડપી અત્રેની સેન્ટ્રલ જેલમાં મોકલ્યા બાદ પાસા હેઠળ રાજ્યની અન્ય જેલમાં મોકલી દીધો હતો. અત્રેની સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે પ્રતિબંધિત વસ્તુઓ પૂરી પડાતી હોવાની ફરિયાદ લાંબા સમયથી ઊઠી છે ત્યારે આરોપીઓ જેલમાં રહીને મોબાઈલ ફોનનો ઉપયોગ છૂટથી કરી જેલમાંથી જ ખંડણીઓ માગવા માટે ધમકી અપાતી હોવાની અગાઉ અનેકવાર ફરિયાદો ઊઠી ચૂકી છે. મહત્ત્વની વાત તો એ છે કે જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ રોકવા માટે ગૃહ વિભાગે મોટી રકમનો ખર્ચ કરી ઝામર લગાવ્યું છે. તેમ છતાં ચોક્કસ સમયે જામર બંધ કરી જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરી વાતચીત થતી હોવાનું બહાર આવ્યું છે.હાલમાં જ જેલમાં કેદીઓએ હડતાળ પાડી હતી એના પણ વીડિયો વાયરલ કરાયા હતા. જેને લઈને વિવાદ થયો હતો. તેમ છતાં જેલના સત્તાવાળાઓ કાચાકામના કેદીઓ પાસેથી મોટી મોટી રકમ લઈ જે જાેઈએ એ વસ્તુઓ જેલમાં પૂરી પાડી રહ્યા છે. આખું પ્રાઈસ લિસ્ટ જેમાં પાન, બીડી, ગુટખા સહિતની ચીજવસ્તુઓ સામેલ છે એ જેલમાં ફરતું હોય છે. અગાઉ જેલમાં અજ્જુ કાણિયાની હત્યા થઈ હતી એમાં જેલમાં જ રહેલા કેદીને બહારથી સોપારી આપી ખેલ પડાયો હોવાની ફરિયાદ અજ્જુના પરિવારે કરી હતી.

ત્યારે જેલમાં સ્માર્ટ ફોનના ઉપયોગથી થયેલા ફોટોસેશનની તસવીરો વાયરલ થતાં ચકચાર જાગી છે. હવે જાેવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ અંગે શું પગલાં લેવાય છે.

જેલ અધિક્ષક સામે ગંભીર પ્રકારના આક્ષેપ

જેલમાં ચાલતા ગોરખધંધા અંગે અધિક્ષક બલદેવસિંગ સુધી મોટી મોટી રકમના હપ્તા પહોંચતા હોવાની ફરિયાદ કેદીઓના પરિવારજનોએ કરી છે ત્યારે પ્રતિબંધિત વસ્તુઓનો જેલમાં પ્રવેશતો સમજ્યા, પરંતુ જેલમાં જ હત્યા સમયે સીસીટીવી કેમેરા બંધ કરી દેવાનો આરોપ પણ હત્યાનો ભોગ બનેલા અજ્જુ કાણિયાના પરિવારજનોએ કર્યો હતો જેની આજદિન સુધી યોગ્ય તપાસ થઈ જ નથી.