લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1980
શહેરનાં અડાજણ વિસ્તારમાં રહેતા ૧૧ વર્ષીય તરુણનું તાપી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. આ દુ:ખદ ઘટનાથી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતા રામસિંઘ સાઉદનો ૧૧ વર્ષીય પુત્ર શેરૂ સાઉદ પરમ દિવસે ઘર પાસે રમતા-રમતા તાપી નદીના કિનારે પહોંચી ગયો હતો. આ દરમિયાન તે અકસ્માતે નદીમાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં તેના પિતા રામસિંગ અને માતા દીકરાની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન ગઈકાલે સાંજે તેમને જાણ થઈ હતી કે તેમનો દીકરો તાપી નદીમાં ડૂબી ગયો છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી અને અંતે બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે શેરૂ અગાઉ માછલી પકડવા તાપી નદીમાં જતો હતો,આ વખતે પણ તે સરદાર બ્રિજ નીચે માછલી પકડવા ગયો હતો અને અકસ્માત તાપી નદીમાં પડી જતા ડૂબી જવાને પગલે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.મૃતક શેરૂનાં પિતા રામસિંગમજૂરી કામ કરે છે અને તેઓ મૂળ નેપાળનાં વતની છે. આ દુ:ખદ ઘટનાએ પરિવારને ગમગીન બનાવી દીધો છે.બનાવને અંગે અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.