વડોદરા-

નવાપુરા પોલીસે લાલબાગ બ્રિજ નીચેથી બોગસ માર્કશીટ અને કોલેજની બોગસ ડિગ્રી સાથે ઝડપી પાડેલા ઠગ યુવકને આજે કોર્ટમાં રજુ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તેની પાસેથી આજે મધ્યપ્રદેશ અને ઝારખંડ જિલ્લાના કોલેજની વધુ બે માર્કશીટ કબજે કરતા આ કૈાભાંડમાં હજુ અન્ય આરોપીઓના નામો સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે.

નવાપુરા પોલીસે ચાર દિવસ અગાઉ લાલબાગ બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભેલા પેમેન્દ્ર હસમુખ બેન્કર (વિસ્ટેરિયા ગ્લોરી, કલાલીરોડ, મુળ ભોજ ગામ, તા.પાદરા)ની અટકાયત કરી હતી. તેની પાસેથી ઉત્તરપ્રદેશ અને હરિયાણા જિલ્લાની યુનિવર્સિટીની તેમજ ધો.૧૨ની માર્કશીટો મળી આવતા પોલીસે આ તમામ માર્કશીટો અને કોલેજની ડિગ્રી કબજે કરી તેની ખરાઈ હતી. તપાસ દરમિયાન પેમેન્દ્ર બોગસ માર્કશીટ અને ડિગ્રી કૈાભાંડ આચરતો હોવાની વિગતો સપાટી પર આવતા નવાપુરા પોલીસે તેની વિરુધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી જયારે તેને બોગસ માર્કશીટો અને ડિગ્રી સર્ટીફિકેટ બનાવી આપતા માઉન્ટ આબુમાં આવેલી માધવ યુનિ.માં ફરજ બજાવતા અવધેશ દિક્ષીતને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પેમેન્દ્રનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આજે તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પેમેન્દ્ર પાસેથી ઝારખંડ ઓપન યુનિ. અને મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત ડો.એપીજી કલામ યુનિ.ની પણ વધુ બે માર્કશીટ- સર્ટીફિકેટ મળી આવ્યા હતા. તેની પાસેથી એમપી અને ઝારખંડની યુનિ.ના પણ બોગસ દસ્તાવેજાે મળતા આ કૈાભાંડમાં હજુ અન્ય આરોપીઓના નામો પણ સપાટી પર આવશે તેમ મનાઈ રહ્યું છે. પેમેન્દ્ર ગ્રાહકો પાસેથી વિગતો લઈ તે આબુમાં રહેતા તેના સાગરીત અવધેશને વોટ્‌સઅપ પર મોકલતો હોઈ અને અવધેશ ગ્રાહકોની માગણી મુજબ બોગસ માર્કશીટ-ડિગ્રી બનાવી આપતો હોઈ અવધેશને ઝડપી પાડવા માટે આબુમાં પણ એક ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી છે.