02, ડિસેમ્બર 2020
મુંબઇ
બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણ આજે એટલે કે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ છે. આદિત્ય પિતાના જન્મદિવસ પર જ લગ્ન કર્યાં. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલ મંદિરમાં માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની જાનમાં પેરેન્ટ્સ સાથે ડાન્સ કર્યો હતો.
આદિત્ય નારાયણ લગ્ન માટે ઈસ્કોન મંદિર જતો હતો ત્યારે સિગ્નલ પર કિન્નરોએ તેની ગાડી અટકાવી હતી. કિન્નરોએ આદિત્ય પાસે પૈસા માગ્યા હતા. આદિત્યે કિન્નરોને 500-500ની કડકડતી નોટો આપી હતી. પૈસા મળ્યા બાદ કિન્નરોએ આદિત્યને આશીર્વાદ પણ આપ્યા હતા.



લગ્ન પહેલાં આદિત્ય-શ્વેતાની તિલક સેરેમની યોજાઈ હતી. રવિવાર, 29 નવેમ્બરના રોજ આદિત્યના ઘરે આ સેરેમની યોજાઈ હતી. તિલક સેરેમનીમાં આદિત્યે ડાર્ક ગ્રીન રંગનો પ્રિન્ટેડ ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો અને શ્વેતાએ આછા નારંગની રંગનો લહેંગો પહેર્યો હતો.
ઉદિત નારાયણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંનેના લગ્ન બાદ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. અમિતાભ બચ્ચન તથા PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચાર નવેમ્બરના રોજ આદિત્યે લગ્ન કરવાની વાત જાહેર કરી હતી. ત્યાર બાદ બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં માત્ર બંનેના પરિવારો જ હતા.શ્વેતા અગ્રવાલ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે 'બાબુલ કી દુઆએ લેતી જા', 'શગુન', 'દેખો મગર પ્યાર સે' જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેણે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'રાઘવેન્દ્ર'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્વેતા તથા આદિત્યે 'શાપિત' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી આદિત્યે લીડ હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી.