01, ઓક્ટોબર 2020
અમદાવાદ-
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સામાન્ય નાગરિકથી લઈને રાજકીય પક્ષના નેતાઓ, કલાકારો, કોરોના વોરીયર્સ એવા ડૉક્ટર અને પોલીસકર્મીઓ, મંદિરના સાધુ-સંતો અને કથાકારો કોરોના સંક્રમિત થયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. વિશ્વમાં હજુ કોરોના વાયરસની કોઈ પણ અસરકારક રસી શોધાઈ નથી. ત્યારે માત્ર માસ્ક લોકોને કોરોનાથી બચવાનો એક ઉપાય છે. કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા પણ કોરોના સંક્રમિત થયા છે.
સાવરકુંડલા અને તેની આસપાસના વિસ્તારના બ્રાહ્મણો દ્વારા કથાકાર જીગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થાય તે માટે સાવરકુંડલામાં મહામૃત્યુંજય જાપ કરવામાં આવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, કોરોના વાયરસનો કહેર રાજ્યમાં વધતા અનેક લોકોએ PM કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત ફાંડમાં દાન આપીને પોતાનું યોગદાન આપ્યું હતું. જીગ્નેશ દાદા ભાગવત કથાકાર છે અને તેઓ દેશ-વિદેશમાં લોકોને કથાનું રસપાન કરાવી ચૂક્યા છે. ત્યારે હવે જીગ્નેશ દાદા કોરોના સંક્રમિત થતા તેમના પ્રશંસકો, તેમની સાથે જોડાયેલા લોકો અને અનુયાયીઓ પણ ભગવાનને જીગ્નેશ દાદા વહેલામાં વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.