નાસ્તામાં બનાવો બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ. તે શરીર માટે પણ ફાયદાકારક છે. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે તેને ઘરે બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો આજે જ બનાવો ઠંડીમાં બ્રેડ સ્પ્રાઉટ્સ રોલ
સામગ્રી :
બ્રેડની સ્લાઇસ - 10,ફણગાવેલા મઠ - 1 ચમચો,ફણગાવેલા મગ - 1 ચમચો,સમારેલી ડુંગળી - 1 ચમચો,લીલાં મરચાં - 1 ચમચી,આદુંની પેસ્ટ - પા ચમચી,ટમેટાં - પા કપ,કોપરાનું છીણ - 1 ચમચો,લીંબુનો રસ - 1 ચમચી,મરીનો ભૂકો - પા ચમચી,તેલ - વઘાર માટે,મીઠું - સ્વાદ મુજબ,કોથમીર - 1 ચમચો.
બનાવવાની રીત :
ફણગાવેલા મગ અને મઠને થોડું પાણી રેડી બાફી લો. એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો. તે પછી તેમાં ટમેટાં, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ ભેળવી નરમ થાય ત્યાં સુધી સાંતળો.તેમાં ફણગાવીને બાફેલા મગ અને મઠ ભેળવો. મરી, મીઠું અને કોપરાનું છીણ નાખીને હલાવો. તે પછી ગેસ પરથી ઉતારીને લીંબુનો રસ ભેળવો અને ઠંડું થવા દો.હવે ચપ્પુથી બ્રેડની કિનારીઓ કાપી લો. એક બાઉલમાં પાણી લઇ તેમાં બ્રેડની એક સ્લાઇસને બોળીને નિચોવી લો. તેની વચ્ચે ફણગાવેલા મગ-મઠનું મિશ્રણ ભરી રોલ વાળી લો.તેની કિનારીઓને સારી રીતે બંધ કરો. આ રીતે બધી સ્લાઇસના રોલ તૈયાર કરો. હવે તેલ ગરમ કરી તેમાં ધીમી આંચે આ રોલ તળી લો. આને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. બ્રેડરોલ બનાવીને તેને બે કલાક ફ્રીજમાં રાખી શકો છો જેથી તે સેટ થઇ જાય. એનાથી તેલ ઓછું વપરાય છે અને રોલ ક્રિસ્પી બને છે.
Loading ...