વડોદરા, તા. ૧૮

શહેર નજીક સોનારકુઈ પાસે વૈભવી ઓર્ચિડ ફાર્મ હાઉસમાં રહેતા જાણીતા બિલ્ડર અને અનેક કિંમતી જમીનોના માલિક હરીશભાઈ અમીનનો આજે સવારે ગોત્રી-સિંધરોડ પર બળીને ખાખ થયેલી ઈક્કો કારમાં ભડથુ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. વહેલી સવારે ભેદી સંજાેગોમાં ઈક્કો કારમાં બિલ્ડરની લાશ મળી હોવાની જાણ થતાં શહેરના બિલ્ડર લોબીમાં પણ ભારે ચકચાર જાગી હતી. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હરીશભાઈનું મોત સળગી જવાના કારણે થયું હોવાની વિગતો સપાટી પર આવી હતી. જાેકે વહેલી સવારે તે ઈક્કો કારમાં ક્યાં ગયેલા? કારમાં આગ લાગી તો બહાર કેમ ના નીકળી શક્યા ? શું તેમની હત્યા કરીને કારમાં લાશ મુકીને કારને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો છે ? તે તમામ પ્રશ્નો હજુ અનુતીર્ણ હોઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

શહેરના જાણીતા બિલ્ડર તેમજ વિવિધ વિસ્તારોમાં કિંમતી જમીનો ધરાવતા ૬૮ વર્ષીય હરીશભાઈ દાદુભાઈ અમીનનો પરિવાર ન્યુ અલકાપુરી ગોત્રી-સેવાસીરોડ પર પિતૃછાયામાં રહે છે જયારે હરીશભાઈ લાંબા સમયથી શેરખી રોડ પર સોનારકુઈ પાસે આવેલા પોતાના વૈભવી ઓર્ચિડ ફાર્મ હાઉસ ખાતે એકલા જ રહેતા હતા. તેમણે ઓર્ચિડ ફાર્મ ખાતે અવરજવર કરવા તેમજ સામાનની હેરફેર કરવા માટે ગેસ કીટવાળી ઈક્કો કાર રાખી હતી અને તે આ કારનો પોતે ઉપયોગ કરતા હતા. હરીશભાઈ ફાર્મ હાઉસ પર એકલા રહેતા હોઈ તે રોજ સવારે તેમજ બપોરે નાસ્તો કરવા તેમજ જમવા માટે ઘરે જતા હતા અને પુત્ર સહિતના પરિવારનો સાથે સમય ગાળતા હતા પરંતું રાત્રે તે ફાર્મ હાઉસ પર જ જમીને ત્યાં જ રોકાતા હતા. દરમિયાન આજે વહેલી સવારે પરિવારજનોને જાણ થઈ હતી કે હરીશભાઈ મોડી રાત્રે ઈક્કો કારમાં નીકળ્યા બાદ પરોઢિયે સિંધરોટથી ઉમેટાબ્રિજ પાસે ફાર્મહાઉસ તરફ જવાના રોડ પર ઈક્કો કારમાં આગ લાગતા હરીશભાઈ પણ કારમાં જ જીવતા ભડથુ થઈ ગયા છે. આ જાણકારીના પગલે પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હરીશભાઈના પુત્ર કરણે આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજીતરફ જાણીતા બિલ્ડર અને જમીન માલિક હરીશભાઈનું આ રીતે કારમાં જીવતા ભડથું થઈ જવાના કારણે મોત નીપજવાની ઘટનાથી શહેરના બિલ્ડર લોબીમાં પણ ભારે ચકચાર જાગી હતી.

તાલુકા પોલીસે ભારે જહેમત બાદ હરીશભાઈના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ હરીશભાઈનું મોત સળગી જવાના કારણે થયું હોવાનો તબીબોએ પ્રાથમિક અહેવાલ આપ્યો હતો જેના પગલે મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. આ હાઈપ્રોફાઈલ કેસની પ્રાથમિક તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.જી.લાંબરિયાએ કર્યા બાદ પીઆઈ ડી.આઈ. સોલંકીને સોંપાતા તેમણે તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પીઆઈ સોલંકીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં હરીશભાઈના શરીરે કોઈ ઈજાના નીશાન મળ્યા નથી પરંતું તેમ છતાં કેસની ગંભીરતા જાેતા અમે એફએસએલ મારફત તપાસ કરાવી વિસેરા પણ લીધા છે તેમજ લાશ સંપુર્ણ પણે બળી ગઈ હોઈ લાશની ખરાઈ માટે ડીએનએ પણ લીધા છે. હજુ સુધી પરિવારજનોએ કોઈ ફરિયાદ કરી નથી અને પરિવારજનોની પણ ડીટેઈલ પુછપરછ બાકી હોઈ વધુ વિગતો મળી નથી. વહેલી સવારે હરીશભાઈ ઈક્કો કારમાં ક્યાં ગયેલા? કારમાં આગ લાગી તો બહાર કેમ ના નીકળી શક્યા ? શું તેમની હત્યા કરીને કારમાં લાશ મુકીને કારને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો છે ? તે તમામ પ્રશ્નો હજુ અનુતીર્ણ હોઈ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

મૂળ યુગાન્ડાના વતની હરીશભાઈ પાસે પરમીટ હતી

મુળ યુગાન્ડાના વતની અને વર્ષો પહેલા વડોદરામાં સ્થાયી થયેલા હરીશભાઈ પાસે અગાઉ દારૂ પીવીના પરમીટ છે. ગઈ કાલે રાત્રે તે નશો કરીને આંટો મારવા માટે નીકળ્યા હતા કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હરીશભાઈના પત્ની અને સંબંધીઓ સામાજિક પ્રસંગે હાલ યુગાન્ડામાં છે અને તેઓને આ બનાવની જાણ થતાં તેઓ અત્રે આવવા માટે નીકળી ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ગેસ કીટવાળી કાર લોખંડની પાઈપ સાથે ભટકાતાં સળગી હોવાનુું અનુમાન

પોલીસને પ્રાથમિક તપાસમાં એવી વિગતો સાંપડી છે કે હરીશભાઈની ઈક્કો કાર ગેસકીટવાળી હતી અને તે બ્રિજની આગળ ટર્નિગ પર મુકેલા લોખંડના પાઈપ સાથે ભટકાતા કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. જાેકે પાઈપ સાથે ખરેખરમાં કાર ધડાકાભેર ભટકાઈ હતી કે કેમ ? તેની તપાસ હજુ બાકી છે.

જમીનોના ઝઘડામાં યોજનાબદ્ધ ખેલ પાડ્યો ?

હરીશભાઈ અમીનની શહેરના વિવિધ વિસ્તારોમાં જમીનો આવેલી છે જે પૈકી કેટલીક જમીનોના લે-વેંચમાં અગાઉ તકરારો પણ થઈ છે. તેમને નાપા ગામના કેટલાક દલાલો તેમજ એક ચોક્કસ કોમની ટોળકી સાથે પણ વિવાદ ચાલતો હતો. હરીશભાઈ એકલા રહેતા હોવાની તેમજ તે અવારનવાર મોડી રાત્રે કે પરોઢિયે ઈક્કો કારમાં નીકળતા હોવાની જાણકારી હોઈ આ તકની રાહ જાેતા જાણભેદુ દુશ્મનોએ તો તેમની હત્યા કર્યા બાદ લાશને ફરી કારમાં મુકીને કાર સળગાવી દઈને પુરાવાનો નાશ કરી આયોજનબધ્ધ ખેલ પાડ્યો હોવાની પણ શંકાઓ હોઈ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.