વડોદરા તા. ૨૧

શહેર અને રાજ્યમાં વ્યાજખોરોના ચાલતા ગેરકાયદે ધંધા સામે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ ઉપાડેલી ઝુંબેશને ગણકાર્યા સિવાય શહેરના પશ્વિમ વિસ્તારમાં રહેતા બિલ્ડર જયેશ પારેખ પાસે ઉંચુ વ્યાજ વસુલવાની ચાલતી પ્રવૃતિ અસહ્ય બનતા તેઓએ આજે ઉંધની ગોળીઓ ખાઈ આપધાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રયાસમાં તેઓએ લખેલી ચિઠ્ઠીમાં ઉંચા વ્યાજે રૂપિયા આપવા જાણીતા અને જમીનોનો કબ્જાે લેવાના ધંધા માટે કુખ્યાત લક્ષ્મણ ભરવાડ, જાણીતા બિલ્ડર રમેશ પ્રજાપતિ અને સુનિલ અગ્રવાલ સહિતના ભાગીદારોએ કરેલા વિશ્વાસધાત અને સતત રૂપિયા વસુલવા માટે આપવામાં આવતા ત્રાસને કારણ ગણાવ્યું છે. જેમાં મહિને રૂપિયા ૪.૫૦ લાખનું તગડું વ્યાજ વસુલનાર લક્ષ્મણ ભરવાડ સામે ફિટકાર વરસાવાઈ રહ્યો છે. જ્યારે રમેશ પ્રજાપતિ સ્કીમના મેમ્બરના બાનાખત કરવા નહીં આવતા હોવાનું તથા સુનિલ અગ્રવાલે વેચાણ રાખેલી જમીનના રૂપિયા નહીં આપતા હોવાનું પણ જણાવ્યું છે.આ બાબતે આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર જયેશ પારેખના પત્ની અને ભાણેજે આજે મિડીયા સમક્ષ સ્ફોટક નિવેદન આપતા ચકચાર મચી ગઈ છે.

સામાન્ય નાગરીકોને ઉંચા વ્યાજે સરળતાથી રૂપિયા આપી તેઓ પાસેથી મુદ્દલ કરતા અનેક ગણું વ્યાજ વસુલ્યા બાદ પણ જંગી રકમની ઉધરાણી થતી હોવાની વ્યાપક ફરિયાદો રાજ્યભરમાં ઉઠવા પામી હતી. જેની સામે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જ ઉપાડેલી ઝુંબેશને ગણકાર્યા સિવાય કોંગ્રેસ સાથે નાતો ધરાવનાર જમીનોના અનેક વિવાદ સાથે સંકળાયેલા લક્ષ્મણ ભરવાડે મહિને ૪.૫૦ લાખ વ્યાજ વસુલ્યા પછી પણ આ બિલ્ડરને ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ મૂળ કોંગ્રેસી અને પાછળથી ભાજપ સાથે જાેડાયેલા રમેશ પ્રજાપતિએ વેચાણ આપેલી જમીનમાં પ્રોજેક્ટ ઉભો કરનાર બિલ્ડર જયેશ પારેખ કોઈ મિલકત વેચાણ આપે તો લક્ષ્મણ ભરવાડના દબાણમાં રમેશ પ્રજાપતિ બાનાખત કે દસ્તાવેજ કરવા માટે આવતા નહતા. જેના કારણે બિલ્ડરની આર્થિક સંકડામણ વધતી ગઈ હતી.

આ ઉપરાંત ભાગીદારીમાં લીધેલી એક જમીન જાણીતા બિલ્ડર અને દર્શનમ ગ્રુપના સર્વેસર્વા સુનિલ અગ્રવાલને વેચાણ આપી હતી પરંતુ આ વેચાણ આપેલી જમીનના રૂપિયા સુનિલ અગ્રવાલ તેઓને નહીં આપી તેમના ભાગીદારોને જ આપતા હતા જે જયેશ પારેખને મળતા નહતા.જેનાથી પણ આર્થિક સમસ્યા ઉભી થઈ હતી.

આમ, તમામ બાજુઓથી ઘેરાઈ હવે રૂપિયા આપવાની ક્ષમતા રહી નહી હોવાની ચિઠ્ઠી લખી બિલ્ડર જયેશ પારેખે આજે તેમની ઓફિસમાં ઉંધની ૩૦ ગોળીઓ ખાઈ આપધાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ધટના સ્થળેથી ચિઠ્ઠી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.