સુરત-
વરાછા વિસ્તારમાં રહેતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીનું અપહરણ કરી, યુવતીના પિતાને ફોન કરી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનાનો ભેદ એસઓજી પોલીસે ઉકેલી કાઢ્યો છે. યુવતી અને યુવકને એસઓજીની ટીમે દિલ્હી-આગ્રા-મથુરા રોડ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યાં છે. યુવતી જ્યારે સીએ ક્લાસીસમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમમાં પાડી આરોપી તેણીને ભગાડી ગયો હતો. આ કેસમાં શરૂઆતથી જ પોલીસને યુવતીની જેની સાથે મિત્રતા હતી તે યુવક ઉપર શંકા હતી અને તે સાચી ઠરી હતી. પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવા માટે યુવતીના કહેવા પ્રમાણે આરોપી યુ-ટ્યુબ ઉપર વીડિયો જાેઇને પોલીસથી કઈ રીતે બચવું તેના વીડિયો જાેતો હતો.
સુરતનાં વરાછા વિસ્તારમાં ગત તારીખ ૨૮ જુલાઈના રોજ ડાહ્યાપાર્કમાં રહેતી અને સી.એ.નો અભ્યાસ કરતી પાયલ સોલંકી ગુમ થઇ ગઈ હતી. આ મામલે વરાછા પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પાયલના પિતાને તેની પુત્રીનું અપહરણ થયું હોય તેને છોડાવવી હોય તો ૧૦ લાખ ખંડણીની માંગણી કરતો ફોન આવ્યો હતો.
જાેકે, પાયલને જેની સાથે પ્રેમ સંબંધ હતો તે યુવક પણ ગુમ હોય બંને સાથે જ હોવાની શંકા પ્રબળ બની હતી. આ પ્રકરણમાં એસઓજીની ટીમે વરાછા પોલીસ સાથે સંકલન કરી તપાસ આગળ વધારી હતી. દરમિયાન એસઓજી ટીમને પાયલનું અપહરણ આકાશ રાજકુમાર ખટીકે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આરોપી પાયલને લઈ મધ્યપ્રદેશ અને ત્યાંથી ઇન્દોર તરફ ભાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ માહિતીને આધારે એસઓજીની એક ટીમ ઇન્દોર પહોંચી હતી. જ્યાંથી આકાશ અને યુવતી દિલ્હી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળતા એસઓજીની ટીમને મધ્ય પ્રદેશ રવાના કરી હતી. ત્યાંથી આ ટીમ દિલ્હી પહોંચી હતી. આગ્રા મથુરા રોડ આગ્રા ટોલનાકા પાસે હાઇવે ઉપરથી આકાશ ખટીકને ઝડપી પાડી યુવતીને મુક્ત કરાવી હતી.આરોપી આકાશ ખટીકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પાયલ અને તેના માતાપિતાને તેમનો સંબંધ મંજૂર હોવાથી ત્રણ મહિના પહેલાથી જ ઘરેથી ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. તે માટે કપડાં, નવા સીમકાર્ડ અને મોબાઇલની ખરીદી કરવા સાથે રૂ.૫૦ હજાર પણ સાચવી રાખ્યા હતા. પોલીસ પકડે નહીં તે માટે શું કરવું તે જાણવા યુ-ટયુબ ઉપર વીડિયો પણ જાેયા કરતા હતા. ઘરેથી ભાગી ગયા બાદ યુવતીના પિતા તેને શોધે નહીં તે માટે યુવતીએ જ આરોપી આકાશને ખંડણી માંગવા માટે ફોન કરાવ્યો હતો. બંને એક જગ્યાએ ૧૨ ક્લાકથી વધુ સમય સુધી રોકાતા ન હતા. બંને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ દિલ્હી ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયા હોવાનું પણ આરોપીએ કબૂલ્યું હતું.