વડોદરા, તા.૧૭

ભાજપે તેની જાહેર કરેલી છેલ્લી યાદીમાં પણ વડોદરાની સૌથી સેફ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર નહીં કરતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં હતાં અને વિવિધ નામોની અટકળો શરૂ થઈ હતી. આજે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લાં દિવસે સવારે સતત સાત ટર્મથી જીતતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરી ટિકિટ જાહેર કરાતાં તમામ કાવાદાવાઓ અને ધારણાઓ વચ્ચે તેમજ ભાજપના ૭પ વર્ષની ઉંમરના બંધન તોડીને યોગેશ પટેલ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા.

ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરેલી પ્રથમ યાદીમાં વડોદરા શહેર-જિલ્લાની ૧૦ પૈકી સયાજીગંજ અને માંજલપુર બેઠક સિવાય તમામ ૮ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. બીજી યાદીમાં સયાજીગંજ બેઠક પર મેયર કેયુર રોકડિયાનું નામ જાહેર કર્યું હતું. પરંતુ માંજલપુર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર નહીં થતાં અનેક તર્કવિર્તક વચ્ચે આ બેઠક પર સ્કાયલેબ આવશે કે પછી ૭પ વર્ષની ઉંમરને લઈ અન્ય બેઠકો પર વિવાદ ન થાય તે માટે છેલ્લી ઘડીએ યોગેશ પટેલનું નામ જાહેર કરાશે તેવી અટકળો શરૂ થઈ હતી.

આખરે આજે સવારે પાંચ ટર્મથી રાવપુરા અને બે ટર્મથી માંજલપુર વિધાનસભાન ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ કરાતાં તમામ અટકળોનો અંત આવ્યો હતોઅ ને ભાજપના ૭પ વર્ષના બંધન તોડવા યોગેશ પટેલ દેશના કદાચ પ્રથમ નેતા બન્યા છે. સવારે સાવલી ભીમનાથ મંદિરે સ્વામીજીના દર્શન કર્યા બાદ રાવપુરા પંચમુખી મહાદેવ મંદિરેથી ભાજપના અગ્રણીઓ-કાર્યકરો અને ટેકેદારો સાથે વિશાળ રેલી સાથે નીકળીને કલેકટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભર્યું હતું.

ગુજરાતમાં સતત ૮ ટર્મ ચૂંટણી લડનાર ભાજપના પ્રથમ ધારાસભ્ય

વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત જનતાદળમાંથી જીત્યા બાદ ભાજપમાં જાેડાયેલા ધારાસભ્ય યોગેશ પટેલ સતત ચાર ટર્મ રાવપુરા બેઠક પરથી જીત્યા હતા. રાવપુરામાંથી માંજલપુર વિધાનસભા અલગ બન્યા બાદ ર૦૧૨ અને ૨૦૧૭માં ચૂંટણી જીતીને સતત સાત ટર્મ ધારાસભ્ય બનેલા યોગેશ પટેલે ૮મી ટર્મ માટે દાવેદારી કરી હતી અને ટિકિટ માટે ખેંચતાણને અંતે આજે તેમના નામની જાહેરાત કરતાં ભાજપની ટિકિટપર સતત છ ટર્મ જીત્યા બાદ ૭મી વખત ટિકિટ મેળવનાર ગુજરાતના કદાચ પ્રથમ ધારાસભ્ય બન્યા છે.