વડોદરા-

વડોદરામાં કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીઓ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને શોધવા પોલીસની બે ટીમોની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય શાખાની પોલીસ ટીમો પણ જાેડાશે. આ આરોપીઓને ઝડપી લેવા પોલીસે પણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા પણ બંને મળી આવ્યા ન હતા. ફરિયાદ નોંધાવતી વખતે યુવતીએ તેના ઘરમાં એસીના પ્લગ સાથે લગાવેલો સ્પાય કેમેરો મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે સ્પાય કેમેરો રજુ કરવા યુવતીને જણાવ્યું હતું પણ બુધવારે રાત સુધી યુવતીએ સ્પાય કેમેરો રજુ ના કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. ૬૯ વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી બુટલેગર અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

અશોક જૈને કહ્યુ છે કે, પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવા તૈયાર છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, આ યુવતી પાંચ મહિના પહેલા તેમના મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી તેમની ઓફિસે આવી હતી. તે વખતે તેને ઓફિસમાં બેસી કામ કરી શકે છે તેમ કહ્યું હતું પણ કોરોનામાં યુવતી ઓફિસ આવતી ન હતી, ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભટ્ટનું નામ સંડોવાયેલું છે અને તેમણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરાવ્યાનું જણાવેલું છે પણ તેઓ રાજુ ભટ્ટને ઓળખતા નથી અને ફોન પર પણ વાત થઇ નથી. ફ્લેટ તેમણે ભાડે અપાવ્યો હોવાનું જણાવ્યું છે પણ યુવતીએ બ્રોકર મારફતે વર્તમાનપત્રમાં જાહેરાત મારફતે શોધ્યો હતો અને તેના માલિકનું નામ રાહીલ રાજેશ જૈન હોવાનું જણાતા તેણે તેમનો સંપર્ક કરી તમારી અટક પણ જૈન હોવાથી તમે ભાડુ ઓછું કરાવી શકતા હોવાની વિનંતી કરી હતી.