વડોદરા, તા.૭

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય સાથે જાેડાયેલ ૪૬ વર્ષીય સી.એ.એ રહસ્યમય સંજાેગોમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મકરપુરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે વડોદરા શહેરના જામ્બુઆ જકાતનાકા પાસે ધનલક્ષ્મી સોસાટી આવેલ છે. આ સોસાયટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાય સાતે સંકળાયેલ સી.એ. જીતેશભાઈ હસમુખભાઈ પટેલ (ઉ.વ.૪૬) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઘરે જ વ્યવસાય લક્ષી ઓફીસ ધરાવી ગ્રાહકોને ઘરેથી જ કન્સલ્ટીંગ કરતા હતા. તેમના પુત્રના જણાવ્યા અનુસાર, ગત રાત્રે મોડા સુધી બેઠા બાદ, વાત કરી હતી તે પછી સુવા ગયા હતા. તે બાદ રાત્રી પોણા ત્રણ વાગ્યાની આસપાસ તેમને ઝેરી દવા પીધા બાદ ઉલટીઓ શરૂ થઈ હતી. જેથી તેઓ અર્ધ બેભાન જેવી હાલતમાં આવી જતાં પાડોશી પ્રકાશભાઈ જીતેશભાઈને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક બનતા ટુંકી સારવાર બાદ તબિબે મૃત જાહેર કર્યા હતા.

જીતેશ પટેલના મૃત્યુના સમાચાર પત્ની અને પુત્રને મળતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બનાવની જાણ પરિવારના અન્ય સગા સંબંધીઓને જણાવવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. તે બાદ તબિબ દ્વારા આપઘાતના બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જાે કે, આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું.