આજકાલ બહુ ચર્ચિત કલકત્તા રેપ એન્ડ મર્ડર કેસમાં મમતા સરકાર, હોસ્પિટલ ઓથોરિટી અને કોલકત્તા પોલીસની ભૂમિકા પહેલે શંકાસ્પદ રહી છે ત્યારે સવાલ એ છે કે આખરે કોને બચાવવા આ કવાયત કરવામાં આવી?
આ મામલે, કલકત્તા પોલીસ મામલો ઉકેલવાની બદલે તેને રફેદફે કરવામાં પૂરી વ્યસ્ત હતી. પીડિતાના દેહ પર હુમલાના અસંખ્ય નિશાન, અર્ધનગ્ન હાલતમાં પીડિતાનો દેહ, ચશ્માના કાચ તૂટી આંખમાં ઘુસી ગયા હોવાથી આંખમાંથી, મોઢામાંથી અને પ્રાઇવેટ પાર્ટમાંથી બ્લીડીંગ, પીડિતાના બંને પગ નેવું ડિગ્રીમાં હતાં જે પેલ્વિક ગાર્ડ ખરાબ રીતે ઇજાગ્રસ્ત હોવાનું અથવા ફાટી ગયાનું સૂચવે છે.... સેમિનાર હોલની એક એક ઘટના એક એક વસ્તુ બૂમ પાડીને બોલતી હતી કે પીડિતા સાથે મારઝૂડ, શારીરિક અત્યાચાર, બળાત્કાર થયો હોવાની પુરી સંભાવના છે. છતાં હોસ્પિટલે આત્મહત્યા ઘોષિત કરી દીધી અને પરિવારને જાણ કરવામાં ત્રણ કલાક લગાડ્યા! આ તો કલકત્તા હોસ્પિટલમાં કામ કરતા જુનિયર-સિનિયર ડોક્ટરો, પીડિતાના સાથીઓને આભારી છે કે આ આખું પ્રકરણ બહાર આવ્યું. તેઓએ જાેરદાર વિરોધ નોંધાવ્યો જેથી તંત્રને જાગવું પડ્યું.
આ એ જ મેડિકલ કોલેજ છે જ્યાં દર વર્ષે સંેકડો વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લેવા આવે છે ત્યાં સેમિનાર હોલમાં સીસીટીવી નથી!
કોલેજના કલાસ પૂરા થાય પછી સેમિનાર હોલ બંધ કરી દેવામાં આવે છે તો રાત્રે સેમિનાર હોલ કોણે ખોલ્યો?
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટનું કહેવું છે કે સેમિનાર હોલની ચાવી સાધારણ રીતે સિસ્ટર ઇન્ચાર્જ પાસે હોય છે જે, કોઈ ડોક્ટર જ્યારે પણ સેમિનાર હોલની ચાવી લે ત્યારે તેણે તે જાણ કરવાની રહે છે કે તે કયા કામ અંગે ચાવી લે છે અને બાદમાં પરત સિસ્ટર ઈન્ચાર્જને જમા કરાવવાની હોય છે. આ નિયમ છે. પ્રશ્ન એ છે કે મોડી રાતથી લઈને સવાર સુધી ચાવી અંગે પ્રશ્ન કેમ ન થયો? બીજું, આ કલાકોના સમયગાળામાં સવાર સુધી ટ્રેઈની ડોકટરની કોઈને જરૂર ન પડી કે ન તો સવાલ થયો કે તે છે ક્યાં?
હોસ્પિટલ ઓથોરિટી તરફથી પીડિતાના મા બાપને પ્રાથમિક જાણ કરવામાં આવી તે પણ શંકાસ્પદ છે. સૌ પ્રથમ, પીડિતા બીમાર છે તેમ જણાવવામાં આવ્યું. બાદમાં બીજા ફોનમાં પીડિતાએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી છે તેમ જણાવવામાં આવ્યું. અને ત્યારબાદ ચારેક કલાક સુધી માબાપને પીડિતાના મૃતદેહ સુધી જવા દેવામાં ન આવ્યા! બીજું, વહેલી સવારે સૌના ધ્યાનમાં આવેલાં આ બનાવની એફઆઇઆર છેક મોડી રાતે અગિયાર વાગ્યા પછી, પીડિતાના અંતિમસંસ્કાર પછી દાખલ કરવામાં આવી તેમજ પીડિતાના અંતિમસંસ્કાર કરવા બાબતે કલકત્તા પોલીસે ખૂબ જ ઉતાવળ દાખવી ભીનું સંકેલવાની કોશિશ કરી છે.
તારીખ ૧૪ ઓગસ્ટના રોજ પ્રદર્શનકારીઓની મોટી ભીડ હોસ્પિટલ પર તૂટી પડી, જેને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ રૂપે જાેવામાં આવે છે. જે રાત્રે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા ત્યારે પ્રદર્શનકારીઓ સેમિનાર હોલમાં પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતાં! હોસ્પિટલમાં હાજર ટ્રેઈની ડોક્ટરોનું કહેવું છે કે સેમિનાર હોલ ચોથામાં મજલા પર છે પરંતુ પ્રદર્શનની અંધાધૂંધીમાં ધસી આવેલ ટોળાથી કંઈ ભૂલ થઈ ગઈ અને તેઓ ત્રીજા માળે તોડફોડ કરવા લાગ્યા. અલબત્ત તેમની ઈચ્છા તો સેમિનાર હોલના પુરાવા નષ્ટ કરવાની હતી! તેઓ સ્પષ્ટપણે, ર્નિભયપણે શોધી રહ્યા હતા કે ઘટનાસ્થળ ક્યાં છે? બધાને બધું દેખાય છે. ફક્ત કલકત્તા પોલીસને જ કાંઈ દેખાઈ રહ્યું નહોતું. અને તેણે આવા સ્પષ્ટ કેસને આત્મહત્યાનું નામ આપી લોકોની આંખોમાં ધૂળ નાખવાનું કામ શું કામ કર્યું !?
પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોનો દાવો છે કે શરૂઆતથી જ પુરાવા નષ્ટ કરવાની કોશિશ થઈ રહી છે. આ અગાઉ સેમિનાર હોલની બાજુના રૂમમાં રીપેરીંગ કામ કરવાના બહાને તોડફોડ થઈ હતી. ઘટનાસ્થળથી ફક્ત ૫૦ મીટરની અંતર પર બે ત્રણ દિવસની અંદર જ રીનોવેશન! કાયદા મુજબ ક્રાઈમ સીનની આસપાસના સો ફૂટના વિસ્તારમાં ફરકવાની પણ મનાઈ હોય છે છતાં આવી હરકતો કોની છત્રછાયામાં થઈ રહી હતી? આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યાં!
તારીખ ૮-૯ની મોડી રાતે ઘટેલ આ ઘટનામાં પુરાવા સાથે છેડછાડની બાબત આ જઘન્ય કૃત્યમાં મોટા માથા સંડોવાયેલા હોવાનું સૂચવે છે. તો કલકત્તા પોલીસે ફરિયાદ નોંધવા તેમજ ત્રણ ત્રણ દિવસમાં પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ પણ જરૂરી નહોતી લાગી. એ ઉપરાંત પ્રદર્શનકારીઓના ટોળામાં ધસી આવેલ સ્થાપિત હિતોના ગુંડાઓના તોફાન સંદર્ભે કલકત્તા પોલિસ કમિશનર વિનીતે મીડિયાના અયોગ્ય રિપોર્ટિંગને જવાબદાર ગણાવ્યુ!
ઉપર કહ્યું તેમ, આ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે પોલીસ એક્શન તો ન લેવાયા પણ ગણતરીની કલાકોમાં જ પ્રિન્સિપાલની બદલી કલકતાની બીજી મોટી કોલેજમાં કરી દેવામાં સરકારી તંત્રે ગજબની તત્પરતા દાખવી! કોલેજના પૂર્વ પ્રિસીપાલ સંદીપ ઘોષનો ઇતિહાસ વિવાદાસ્પદ છે. પૂર્વ મેડિકલ ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ અખ્તર અલીનો આરોપ છે કે મુખ્યમંત્રીનો નિકટનો સંદીપ ઘોષ પ્રિન્સિપાલના રૂપમાં માફિયા હતો જેણે કોલેજમાં તેનું સામ્રાજ્ય જમાવી રાખ્યું હતું. કોલેજનાં દરેક નાણાકિય વ્યવહારમાં તે પોતાનું ૨૦ ટકા કમિશન રાખતો. સરકારી દવાઓની ખરિદીમાં ગોટાળા, વિદ્યાર્થીઓને પાસ કરાવવા પૈસા ખાતો હતો અને અમુક વિદ્યાર્થીઓને દારૂ પહોંચાડવા સુધીના કાળા કામો તેના નામે બોલે છે. અને સૌથી જઘન્ય આરોપ એ છે કે તે માનવ અંગોની તસ્કરીનું રેકેટ ચલાવતો હતો.પોસ્ટમોર્ટમમાં રાખેલા શબના અંગો પણ ચોરી લેવામાં આવતા હોવાનું કહેવાય છે.અહીં પોર્ન વીડિયો શૂટ થતા હતા એવો આક્ષેપ છે. જાે કોઈ વિદ્યાર્થી પ્રિન્સિપાલની અનીતિઓનો વિરોધ કરે તેને નાપાસ કરવામાં આવતાં! બીજું, જાે મમતા સરકારનો મહેરબાની ન હોત તો ટેકનિકલી, તેનું પ્રિન્સિપાલ બનવું શક્ય જ નહોતું!
સીબીઆઈને સોંપાયેલા આ કેસમાં, સીબીઆઈ, જેને મુખ્ય આરોપી માનવામાં આવે છે એ સંજય ઘોષ ઉપરાંત પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સઘન પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ સુપ્રિમકોર્ટમાં રજુઆત કરી છે કે આ કેસમાં પુરાવાઓ સાથે મોટી છેડછાડ કરવામાં આવી છે અને સંદીપ ઘોષની ભૂમિકા પહેલેથી જ શંકાસ્પદ રહી છે જે અંગે તપાસ પૂર્ણ થયે સત્ય બહાર આવશે.
કોલકત્તા રેપ એન્ડ મર્ડર કેસમાં રોજ રોજ ભ્રષ્ટાચાર અને અનીતિની નવી નવી વાતો બહાર આવતી જાય છે. આ બનાવને હજુ બે અઠવાડિયા જેટલો સમય નથી થયો ત્યાં મહારાષ્ટ્રના બે શિક્ષણ સંસ્થાનમાં બાળકીઓ પર શારિરીક છેડછાડ – અત્યાચારના વરવા બનાવો બનવાની હકીકત બહાર આવી રહી છે!
જે તે રાજ્યમાં જ્યારે આવા અપરાધો આકાર લે ત્યારે વિરોધપક્ષના નેતાઓ જે તે પક્ષ પર કાદવ ઉછાળવાનું રાજકારણ કરીને પોતાની તક સાધી લે છે પણ પીસાવાનું રિબાવાનું જનતાને જ હોય છે. અલબત્ત, પશ્ચિમ બંગાળમાં જે અરાજકતા છે, લોહિયાળ રાજકારણ છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે મમતાદીદીના રાજમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી.
Loading ...