રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે પ્રચાર પડઘમ શાંત થયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026  |   2277

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને આજે સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. જેના અંતર્ગત હવે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો જાહેર પ્રચાર નહીં કરી શકે. જાે કે ખાનગી બેઠકો તેમજ ખાટલા બેઠકો દ્વારા પોતાનો પ્રચાર શરૂ કરશે. જ્યારે ચૂંટણી તંત્ર દ્વારા જાહેર સ્થળો પર લગાવેલી પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ સેમિફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના અંતર્ગત રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૦ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ઉપરાંત ૧૧ નગરપાલિકાઓની ૧૩ બેઠકોની પેટા ચૂંટણી અંતર્ગત આગામી તા. ૨૬ એપ્રિલના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પંચના નિયમોનુસાર મતદાનની પ્રક્રિયાના ૪૮ કલાક અગાઉ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કરવામાં આવતો પ્રચાર આજે સાંજથી બંધ થઈ ગયો છે. ચૂંટણી પ્રચારની સમય અવધિ પૂર્ણ થઈ જવાથી હવે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો હવે કોઈ પણ પ્રકારનો જાહેર પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણી પંચના નિયમો મુજબ પ્રચાર સમય અવધિ પૂર્ણ થયા પછી તમામ ઉમેદવારોએ શાંતિ જાળવવાની રહેશે. હવે મતદાનની પ્રક્રિયા સુધી ઉમેદવારો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા માટે કોઈ જાહેર સભા, રેલી સહિતના જાહેર કાર્યક્રમો યોજી શકશે નહીં. જાે કે, ઉમેદવારો દ્વારા બંધ બારણે ગુપ્ત બેઠકો કે ખાટલા બેઠકો થકી પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવશે. ચૂંટણી પ્રચારની સમય અવધિ પૂર્ણ થઈ જતાં હવે ચૂંટણી પંચ દ્વારા હવે જાહેર સ્થળો પર રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા લગાવાયેલી પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ઉમેદવારો દ્વારા વિવિધ સ્થળોએ લગાવાયેલા બેનરો, પોસ્ટરો, લખાણોને દૂર કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution