દિલ્હી-

કેનેડામાં રહેતા હજારો ભારતીયો માટે એક સારા સમાચાર છે. કેનેડાએ લગભગ ૫ મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો અને કેનેડાએ ૨૬ સપ્ટેમ્બર સુધી ભારતમાં સીધી વ્યાપારી અને ખાનગી પેસેન્જર ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડા સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ભારતથી કેનેડા માટે સીધી ફ્લાઇટ્‌સ ફરી શરૂ થશે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તે સમયે ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું હતું. ભારતની સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા ૩૦ સપ્ટેમ્બરથી પોતાની ફ્લાઇટ શરૂ કરી શકે છે. કેનેડા ટ્રાન્સપોર્ટે કહ્યું છે કે મુસાફરી કરનારાઓએ દિલ્હી એરપોર્ટ પર માન્યતા પ્રાપ્ત લેબમાંથી કોરોના વાયરસનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. આ અહેવાલ ફ્લાઇટના ૧૮ કલાકની અંદર જારી કરવો આવશ્યક છે.

કેનેડા જતા ભારતીય પ્રવાસીઓએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે, તેઓએ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવેલી જેનેસ્ટ્રીંગ્સ લેબમાંથી કોવિડ -૧૯ મોલેક્યુલર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લેવો પડશે . આ રિપોર્ટ ફ્લાઇટના પ્રસ્થાન સમયના ૧૮ કલાક પહેલા લેવાનો હોય છે.

બોર્ડિંગ પહેલા એર ઓપરેટર્સ પેસેન્જરના ટેસ્ટ રિપોર્ટની તપાસ કરશે કે પેસેન્જર કેનેડા જવા માટે પાત્ર છે કે નહીં. જો પેસેન્જર અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હોય તો તેણે પ્રમાણિત લેબમાંથી બહાર પાડવામાં આવેલા મોલેક્યુલર ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ ૧૪ દિવસથી ૧૮૦ દિવસ જૂનો હોવો જોઈએ. જો કોઈ મુસાફર આ શરતોને પૂર્ણ કરતો નથી, તો એરલાઇન કંપની તેને ના પાડી શકે છે.