વડોદરા : મકરપુરા જીઆઈડીસીની કેન્ટોન કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતા ચાર વ્યકિતઓના મોતના બનાવમાં માંજલપુર પોલીસે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરેલા કંપનીના બંને સંચાલકોને આજે કોર્ટમાં રજુ કરી બંનેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન જાે ફેકટરી ઈન્સ્પેકટર અને બોઈલર ઈન્સ્પેકટરની બેદરકારી સપાટી પર આવશે તો તેઓની સામે પણ પગલા લેવાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું. મકરપુરા જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં ત્રણ દિવસ અગાઉ બોઈલરમાં બ્લાસ્ટ થતાં ચાર વ્યકિતઓના મોત નિપજ્યા હતા તેમજ અગિયાર કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં કંપનીના બે સંચાલકો તેજસ વિનોદભાઈ પટેલ (ગ્રીનપાર્ક સોસાયટી,અકોટા સ્ટેડિયમની પાછળ) અને અંકિત હરીશભાઈ પટેલે (સ્થાપત્ય બંગ્લોઝ, વાસણારોડ) સામે ફરિયાદ નોંધાતા પોલીસે બંને સંચાલકોની અટકાયત કરી હતી. તેઓનો આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓની ગત મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. આ બનાવની તપાસ કરતા એફ ડિવિઝનના એસીપી એસ.બી. કુંપાવતે આજે બંને સંચાલકોને કોર્ટમાં રજુ કરી તેઓના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે કંપની સંચાલકોએ સ્ટોરરૂમની જગ્યાએ કેટલા સમયથી રહેણાંક મકાનો બનાવ્યા હતા અને આ ગેરકાયદે મકાનો માટે તેઓએ કોની મંજુરી લીધી હતી અને તેઓને કોઈ ઓથોરિટીએ મંજુરી આપી હતી કે કેમ ? તેની તપાસ કરવાની છે. તેઓએ કામદારોની સલામતિ માટેના જે નિર્દેશો છે તેનું કેટલુ પાલન કર્યું છે અને કંપનીમાં બોઈલરનું કેટલી વાર ઈન્સ્પેકશન થયું છે તેમજ કંપનીમાં સલામતિ માટે શું પગલા લીધા હતા તેની તપાસ કરવાની બાકી છે. પોલીસની રિમાન્ડ અરજીને ધ્યાને લેતા કોર્ટે બંને આરોપીઓને ૨૯મી તારીખના બપોર સુધી રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.

આ અંગે એસીપી કુંપાવતે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાે બોઈલર ઈન્સ્પેકટર અને સેફ્ટી ઈન્સ્પેકટર સહિત જે લોકોની નિષ્કાળજી અને બેદરકારી સપાટી પર આવશે તેઓની સામે પણ પગલા લેેવામાં આવશે.