દિવાળીપુરામાં વૃદ્ધને ૨૦ ફૂટ ઢસડી કાર ડિવાઈડર પર ચઢી ગઈ, વીડિયો વાયરલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   2772

શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાજીવનગર પાસે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કારના ચાલકે રિવર્સ લેતી વખતે સ્ટીટરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવાર વૃદ્ધ કારની ઝપેટમાં લઈ ૨૦ ફૂટથી વધુ ઢસડ્યા હતાં. સાથે જ કાર ડિવાઈડર પર પણ ચડી ગઈ હતી. આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.શહેરના દિવાળીપુરા વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝન રોડ પરથી સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે એક કારચાલક પોતાની કારને રિવર્સમાં લઈ રહ્યો હતો. રિવર્સમાં લેતી વખતે કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેને પગલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટનાના પગલે માર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સ્થાનિકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અકોટા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, અકસ્માતની જાણ થતા અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, અમારી ટીમ હોસ્પિટલમાં પણ ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution