મુંબઇ-
કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા અને લોકડાઉનમાં છુટછાટ મળતા ઓટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચઢી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. જુલાઇ મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક તુલનાએ ૪૫ ટકાની તંદુરસ્ત વૃદ્ધિ નોંધાઇ છે અને આગામી તહેવારો દરમિયાન વાહનોનું વેચાણ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના આંકડા મુજબ જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું કુલ વેચાણ ૨,૬૪,૪૪૨ યુનિટ નોંધાયુ છે જે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં વેચાયેલા ૧,૮૨,૭૭૯ યુનિટની સામે ૪૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અલબત્ત ટુ-વ્હિહલનું વેચાણ ૨ ટકા ઘટીને ૧૨,૫૩,૯૩૭ યુનિટ નોંધાયુ છે જ્યારે જુલાઇ ૨૦૨૦માં ૧૨,૮૧,૩૫૪ યુનિટ દ્વિ-ચક્રીય વાહન વેચાયા હતા. અલબત્ કોરોના મહામારી બાદ સર્જાયેલી સેમિકંડક્ટરની અછત અને વધી રહેલા રો-મટિરિયલના ભાવથી ઓટો કંપનીઓ મુશ્કેલી અનુભવી રહી છે.
મોટરસાયકલનું વેચાણ જુલાઇ મહિનામાં ગત વર્ષના ૮,૮૮,૫૨૦ યુનિટની સામે ચાલુ વર્ષે ૬ ટકા ઘટીને ૮,૩૭,૦૯૬ યુનિટ રહ્યુ છે. જાે કે બીજી બાજુ સ્કૂટરનું જુલાઇમાં વેચાણ ૧૦ ટકાની વૃદ્ધિમાં ૩,૬૬,૨૯૨ યુનિટ નોંધાયુ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૩,૩૪,૨૮૮ યુનિટ સ્કૂટર વેચાયા હતા.ગત મહિને દેશમાં ૧૭,૮૮૮ યુનિટ થ્રી-વ્હિલર વેચાય છે જે વાર્ષિક તુલનાએ વેચાણમાં ૪૧ ટકાનો ટોપ ગિયર પોઝિટિવ ગ્રોથ દર્શાવે છે. જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં ૧૨,૭૨૮ યુનિટ થ્રી-વ્હિલર વેચાયા હતા.સિયામના આંકડા મુજબ જુલાઇ મહિના દરમિયાન દેશમાં તમામ પ્રકારના વાહનોનું કુલ વેચાણ ૧૫,૩૬,૨૬૯ યુનિટ નોંધાયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન મહિનામાં ૧૪,૭૬,૮૬૧ યુનિટ વાહનો વેચાયા હતા.
Loading ...