વડોદરા, તા.૩

વડોદરા શહેરમાં કોરોના મંદ પડયા બાદ લાંબા સમય પછી શહેરમાં કોરોનામાં એક આધેડનું મોત થતાં આરોગ્યતંત્ર દોડતું થયું હતું. સયાજી હોસ્પિટલમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી.

શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી કોરોનાના કેસો નહિવત્‌ નોંધાઈ રહ્યા છે, તેવા સમયે શહેરના પ૮ વર્ષીય આધેડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતાં તેમનો આરટીપીસીઆર કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એ દરમિયાન તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી, તેમનો રિપોર્ટ આવે એ પહેલાં સારવાર વેળા મોત નીપજ્યું હતું. જાે કે, તેમનો રિપોર્ટ આજે બપોરે આવતાં જે પોઝિટિવ આવ્યો હતો. તેમના મૃતદેહને કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતકની અંતિમવિધિ ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી. કોરોનામાં દર્દીનું મૃત્યુ થતાં આરોગ્યતંત્ર દોડતું થયું હતું અને મૃતકના ઘરે આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી.

વડોદરા શહેરમાં ઘટી રહેલા કોરોનાના કેસો વચ્ચે નવા ૯ કેસ નોંધાયા

વડોદરા શહેરમાં કોરોનાના કેસોની મંદગતિ વચ્ચે નવા ૯ કેસ સામે આવવાની સાથે શહેરમાં એક આધેડ દર્દીનું કોરોના પોઝિટિવમાં મોત થતાં નિરાંતનો શ્વાસ લઈ રહેલ આરોગ્યતંત્ર દોડતું થયું હતું. બિલ્લીપગે શહેરમાં પુનઃ એન્ટ્રી કરી રહેલ કોરોનાનો વિસ્ફોટ થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. શહેરમાં સર્વેની કામગીરી દરમિયાન નવા કેસો સામે આવી રહ્યા છે.વડોદરા શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો હતો, જેને પગલે આરોગ્યતંત્રના અધિકારીઓ નિરાંતનો શ્વાસ લઈ રહ્યા હતા. પરંતુ કોરોનાએ શહેરમાં પુનઃ બિલ્લીપગે પ્રવેશ કરતાં શહેરના એક આધેડ દર્દીનો ભોગ લેતાં આરોગ્યતંત્ર દોડતું થયું હતું. એટલું જ નહીં, આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન શહેરમાં કોરોનાના નવા ૯ કેસ સામે આવ્યા હતા.