સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી કેસ આવી રહ્યા છે. કોરોનાનો એક પોઝીટીવ કેસ પણ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્યાર પછી માવઠાની આગાહી કરવામાં આવી છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં જ દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી. કેસ આવી રહ્યા છે. અને સરેરાશ રોજના ૪૦થી ૫૦ કેસોમાં વધારો પણ જાેવા મળી રહ્યો છે. આ તમામ કેસો મોટેભાગે શરદી, ઉધરસ અને તાવના હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર સરકારી હોસ્પીટલના જ આંકડા છે. શહેર તથા જીલ્લાની અન્ય સરકારી હોસ્પીટલો, ખાનગી હોસ્પીટલો અને દવાખાનાઓમાં પણ અનેક ગણા કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે.ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે, ત્યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે. પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. તો બીજી તરફ ઝાલાવાડમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.