વડોદરા, તા.૧૯

પોલીસતંત્ર પણ આવા બૂટલેગરોના દારૂના નેટવર્ક પર બાજનજર રાખી રહ્યું છે, સાથે સાથે તેમના બાતમીદારોને પણ એલર્ટ મોડ પર રાખી સક્રિય કર્યા છે. ત્યારે શહેરમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ અને ઠંડીનો માહોલ જામી રહ્યો છે. તેવા સમયે ગોત્રી વિસ્તારના બંસલ મોલ નજીક યુનિયન બેન્ક પાસે દારૂના ધંધા પર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ કરી જાહેરમાં દારૂનો ધંધો કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી દારૂનો જથ્થો વ્હીકલ, મોબાઈલ, રોકડ રકમ મળી કુલ રૂા.ર.૧૧ લાખનો મુદ્‌ામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે ગુનો નોંધી આગળની તપાસનો દોર લંબાવ્યો છે. બીજી તરફ ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ બૂટલેગરો ગેલમાં આવી ગયા છે અને દારૂના સપ્લાય માટે તેમનું નેટવર્ક સાથે તેમના સાગરિતોને એક્ટિવ કર્યા છે. તેઓ ઓર્ડર મુજબ દારૂનો સપ્લાય કરી રહ્યા છે. બૂટલેગરો દ્વારા શહેર-જિલ્લામાં દારૂનો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ કરનાર પર પોલીસતંત્ર બાજનજર રાખી રહ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં બંસલ મોલ યુનિયન બેન્ક પાસે જાહેરમાં કિશન બબલુકુમાર શાહુ અને જિગર ઉર્ફે રાહુલ બુધા સંગાના દારૂનો ધંધો કરતા હતા. આ અંગેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એન.બી.ઝાલાએ તેમની ટીમ સાથે રાત્રિના સમયે છાપો માર્યો હતો, જેમાં દારૂનો ધંધો કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂા.ર.૧૧ લાખનો મુદ્‌ામાલ કબજે કર્યો હતો. તે બાદ તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં આ ધંધામાં સામેલ પીયુષ ઉર્ફે લખન મનોજ ભાવસાર, સરોજ ઉર્ફે નાની સુરેશ ઠક્કર, લાલુ સિંધી વારસિયાવાળો અને તેનો સાગરિત ફરાર હોય તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.