ચેટજીપીટી ખતરનાક સાબિત થઇ રહ્યું છે: સુરતની બે સખીનાં આપઘાત પછી હવે બનાવટી ચલણી નોટ બનાવવામાં પણ ઉપયોગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026  |   2376

અમદાવાદ:  યુવાવર્ગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, તેમાં પણ ચેટજીપીટી ચેટબોટ યુવાનો, નોકરિયાતો, ધંધાર્થીઓમાં ખુબ ઝડપથી પ્રચલિત બની રહ્યું છે પરંતુ ચેટજીપીટી ખતરનાક સાબિત થઇ રહ્યું છે. તાજેતરમાં જ સુરતની બે સખીઓએ ચેટજીપીટીનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી ત્યારે હવે બનાવટી ચલણી નોટો બનાવવામાં પણ ચેટજીપીટીનો ઉપયોગ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મરેજનાં ધોરણપારડી પાસે શ્રી સત્યમ યોગ ધામ ચલાવવાની સાથે સાથે અન્ય ગોરખધંધા કરતાં પ્રદીપ જાેટંગિયા અને તેનાં મળતિયાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઇઝ પ્લેટફોર્મ ચેટજીપીટીનો ઉપયોગ ૫૦૦ રૂપિયાનાં દરની નકલી ચલણી નોટો બનાવવામાં કરી હતી. પોલીસે સત્યમ યોગ ફાઉન્ડેશનનાં કર્તાહર્તા પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોની ધરપકડ કરીને પુછપરછ કરતાં તેમણે જે કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. દેશદ્રોહી પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોએ બનાવટી ચલણી નોટોનાં સીક્યુરિટી થ્રેડ અલીબાબાનાં ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ચાઇનીસ કંપની પાસેથી મેળવ્યાં હતાં. જ્યારે બનાવટી ચલણી નોટો એકદમ સાચી લાગે તેવી એક્યુરસી માટે નોટોનાં લે-આઉટ, ડિઝાઇન અને અન્ય ફીચર્સ માટે તેમણે ચેટજીપીટીનો ઉપયોગ કર્યો હતો. પ્રદીપ જાેટંગિયાનો એક સાગરિત ગ્રાફિક એડિટિંગ અને પ્રિન્ટિંગ પ્રોસેસનો નિષ્ણાંત હોવાથી ચેટજીપીટીનો ઉપયોગ બનાવટી ચલણી નોટો બનાવવા માટે કર્યો હોવાની કબુલાત કરી હતી. ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સકારાત્મક દિશામાં કરવામાં આવે તો તે સારી બાબત છે પરંતુ ચેટજીપીટી જેવા ચેટબોટનો ઉપયોગ નકારાત્મક દિશામાં કરવામાં આવે તો તે ખતરનાક પણ સાબિત થઇ શકે છે તે પ્રદીપ જાેટંગિયા અને તેનાં સાગરિતોએ સાબિત કરી આપ્યું છે.

પ્રદીપ જાેટંગિયાનાં રાજકારણીઓ અને ઉચ્ચાધિકારીઓ સાથે સંપર્કો

શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન-ધામનાં ઓથા હેઠળ બનાવટી ચલણી નોટો બનાવવાનાં ગોરખધંધા કરનાર પ્રદીપ જાેટંગિયાએ બીજા લેભાગુ ધર્મગુરૂઓની જેમ જ હજારો ફોલોઅર્સ તો છે જ સાથે સાથે હર્ષ સંઘવી, ધારાસભ્ય કુમાર કાનાણી, ભાજપનાં વરિષ્ઠ નેતા નિતિન પટેલ સહિતનાં નેતાઓ તેમજ સનદી અધિકારીઓ સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. રાજકારણીઓ સાથેનાં ફોટા તેનાં સોશિયલ એકાઉન્ટ ઉપર અપલોડ કરીને લોકો ઉપર પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ પ્રદીપ જાેટંગિયાએ કર્યો છે. પ્રદીપ જાેટંગિયાનાં ધંધા સારા નથી તે બાબતનો પર્દાફાશ તેનાં ફેસબુક એકાઉન્ટમાં જ કેટલાક ફોલોઅર્સે કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution