લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026 |
2574
મહાનગર પાલિકામાં નોકરી તથા આવાસમાં મકાન અપાવવાના નામે ૧૬ વ્યક્તિ પાસે ૨.૪૪ કરોડ રૂપિયા પડાવી લેનાર જનાદેશ પ્રેસનાં માલિક રાજુ ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર ડિંડોલી સ્થિત પ્રિયંકા ન્યુસિટીમાં રહેતાં પ્રહલાદ સુખદેવ પાટીલ પેપર ડીસ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. તેમનો કુટુંબી ભાઇ દિનેશ શિવાજી પાટીલ પ્રેસ મીડીયા માં નોકરી કરતો હોય તેના થકી પ્રહાલ પાટીલને જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્રભાઈ દીનકર ચૌધરી સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ પ્રહલાદ અવાર નવાર ચૌધરીની ખટોદરા, મહાત્માવાડી ખાતે આવેલી ઓફિસે ચૌધરીને મળવા જતાં હતાં.
વર્ષ ૨૦૨૪માં રાજેન્દ્ર ચૌધરીએ પ્રહલાદને જણાવ્યું હતું કે, કોઈને એસએમસીમાં નોકરી જોઇતી હોય, એસએમસી દ્વારા બનાવાતા આવાસમાં મકાન જોઇતા હોય તો કહેજો, હું એ કામ કરી આપીશ. પ્રહલાદે તેમના દિકરા માટે મકાન લેવાનું જ હતું એટલે મને અપાવો એમ કહ્યું હતું. જેમાં ચૌધરીએ હાલ અડાજણ ખાતે ચાલી રહેલી સાઈટ બતાવી ૧૨થી ૧૩ લાખમાં કામ કરી આપીશ એવી વાત કરી હતી. પ્રહલાદે હા પાડવા સાથે ચૌધરીના માંગ્યા પ્રમાણે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ દોઢ લાખ રૂપિયા આપ્યા હતાં.
ત્યારબાદ પ્રહલાદે તેમનાના સાઢુભાઈ ભીમરાવ આધાર પાટીલનાં જમાઈ વિજય તારાચંદ પાટીલને એસ.એમ.સી. (જીસ્ઝ્ર) મા નોકરી અપાવવાની વાત ચૌધરીને કરી હતી. ચૌધરીએ નોકરી મળી જશે એવો વિશ્વાસ ભરોસો જતાવી ફોર્મ ભરવા પેટે જ ૧૬,૭૦૦ રૂપિયા લઇ લીધા હતાં. ચૌધરીએ આપેલું ફોર્મ વિજય પાસે ભરાવી ડોક્યુમેન્ટ સાથે પરત કરાયું હતું. બાદમાં ચૌધરીએ વોટ્સએપથી ઇસી કોડ મોકલાવ્યો હતો. ત્યારબાદ ચૌધરીની માંગણી અનુસાર વિજય પાટીલની નોકરી માટે ટુકડે ટુકડે કરી કરી કુલ ૧૫,૧૬,૭૦૦ રૂપિયા ચૂકવી દેવાયા હતાં.
આ રીતે પ્રહલાદ પાટીલ હસ્તક તેમના સગા સંબંધી એવા (૧) નીલેશભાઈ સુરેશભાઈ પાટીલ (૨) વિજયભાઈ તારાચંદ પાટીલ (૩) કીર્તી સતીષ ગોહર (૪) સાગર દેવીસીંગ (૫) નરેન્દ્ર દેવેસીંગ (૬) કલ્પેશ સુનીલ કદમ (૭) ગોપાલ નામદેવ પાટીલ (૮) દીપાલી નીલેશ પાટીલ (૯) આનંદ શૈલેન્દ્ર પાટીલ (૧૦) વૈભવ અનીલ પાટીલ (૧૧) આદીત્ય પંડીત ભદાણે (૧૨) ક્રિષ્ણા પવનકુમાર શર્મા (૧૩) સાગર ભાનુદાસ સોનાર (૧૪) અર્ચના સાગર સોનાર (૧૫) શૈશવ દીપક પાટીલ (૧૬) ભાવેશ હીતેશ ગાયકવાડ વિગેરેએ કુલ ૨,૪૨,૬૭,૨૦૦ રૂપિયા ચૂકવ્યા હતાં. આટલા રૂપિયા લીધા બાદ ચૌધરીએ એકેય જણાને નોકરી અપાવી ન હતી. જેથી પ્રહલાદ પાટીલે રાજેન્દ્ર ચૌધરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાજેન્દ્ર ચૌધરીએ નોકરીની ખોટી જાહેરાતો બતાવી ભરમાવ્યા હતાં
પ્રહલાદ પાટીલે આપેલી ફરિયાદમાં ચૌધરી દ્વારા અપાયેલા ઇસી કોડ પણ પોલીસને આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસે રાજેન્દ્ર દિનકર ચૌધરી દ્વારા અપાયેલા ઈ.સી. કોડ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતેથી ઇશ્યુ થયેલ છે કે કેમ? તથા આ ઈ.સી.કોડ મુજબની નોકરી અંગેની જાહેરાત આપવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરાઇ હતી. જેમાં એસએમસીએ લેખિતમાં એવું આપ્યું હતું કે, એ ઇસી કોડ પ્રમાણેની નોકરી માટે કોઇ જાહેરાત આપવામાં આવી ન હતી. આ રીતે રાજેન્દ્ર ચૌધરીએ એસએમસીની નોકરી માટેની ખોટી જાહેરાત બનાવી, ખોટા ઇસી કોડ આપી નોકરીવાંચ્છુ યુવકો પાસે પૈસા પડાવી લીધા હતા.