ગાંધીનગર, તા. ૧૪

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળને બંધ કરીને રાતોરાત ચીકીની પ્રસાદ તરીકે આપવાનો વિવાદાસ્પદ ર્નિણય કરાયો હતો. જેના કારણે રાજયભરના માઈ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા ઠેર ઠેર વિરોધ શરૂ થયા હતા. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને બંધ કરીને તેના સ્થાને ચીકીનો પ્રસાદ શરૂ કરવા સામે માઈ ભક્તો અને ભાવિકોમાં રોષની લાગણી લાગણી પ્રસરી હતી. માઈ ભક્તો અને ભાવિકોનો રોષ જાેઈને આજે સરકાર હરકતમાં આવી હતી અને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોહનથાળના પ્રસાદને ફરીથી ચાલુ કરવાની તેમજ ચીકીનો પ્રસાદ પણ સાથોસાથ ચાલુ રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. આમ રાજ્ય સરકાર લોકજુવાળ સામે ઝૂકી હતી તેમ છતાં મોહનથાળની સાથોસાથ સરકાર દ્વારા ચીકીના પ્રસાદને ચાલુ રાખીને પોતાની ટંગડી ઊંચી રાખવાનો પ્રયાસ કરાયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના મંદિરમાં ટ્રસ્ટ દ્વારા રાતોરાત ર્નિણય કરીને ગત તા.૪ માર્ચથી માતાજીનાં પ્રસાદ તરીકે અપાતાં મોહનથાળ બંધ કરી દેવાયો હતો અને તેના સ્થાને ચીકીને પ્રસાદ તરીકે આપવાની શરૂઆત કરી દેવાઈ હતી. જેના કારણે માઈ ભક્તો, ભાવિકો, શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

મોહનથાળ બંધ કરવાના ર્નિણયના વિરોધમાં માઈ ભક્તો, ભાવિકોની સાથોસાથ હિન્દુ સંગઠનો અને સંતો-મહંતો પણ મેદાને ઉતર્યા હતા. મોહનથાળના પ્રસાદ મામલે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા જણાવાયું હતું કે, સરકાર આવા નવા નવા અખતરાઓ કેમ કરે છે? અને હિન્દૂ લોકોની ધાર્મિક ભાવના સાથે કેમ ખિલવાડ કરે છે. હિન્દુઓની પરંપરાઓ સાથે ખિલવાડ કરવો એ યોગ્ય નથી. ભાવિક-ભક્તોનીની ભાવનાઓને દુભાવાય છે, તેને ચલાવી લેવાશે નહીં.

જ્યારે આ મામલે અખિલ ભારતીય સંત સમિતિ અને બનાસ શરદર્શન વિરથન સેવા મંડળના સંતો દ્વારા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના મામલે મેદાને ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં તેમજ વિધાનસભામાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને બંધ કરવાના ર્નિણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતના પગલે આજે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સરકારે અંબાજી મંદિરના પ્રસાદમાં મોહનથાળની સાથે ચીકી અને માવા સુખડીને પણ ઘૂસાડી દેવામાં આવી છે.

બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને ચીકીની સાથોસાથ યથાવત રાખવાની જાહેરાત કરી હતી. પ્રવકતા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યુ હતું કે, કેટલાક ભક્તોની ફરિયાદ હતી કે, મોહનથાળમાં ફૂગ આવતી હતી, તે લાંબો સમય રહેતો નથી. જેના કારણે ચીકીને પ્રસાદ તરીકે શરૂ કરાઈ હતી. પરંતુ ભાવિક ભક્તોના વિરોધ બાદ હવે મોહનથાળનો પારંપરિક પ્રસાદ ચાલુ જ રહેશે. જાે કે, મોહનથાળની ગુણવત્તામાં સુધારો કરવામા આવશે તેમ પણ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. એટલું જ નહીં તેમણે જણાવ્યુ હતું કે. અંબાજી મંદિર દ્વારા પ્રસાદમાં મોહનથાળ અને ચીકીની સાથે જ વધારામાં માવા સુખડીનો પ્રસાદ પણ ઉમેરવામાં આવશે.