ડભોઇ, તા.૨૬

વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશાહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ગંગા દશાહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી. વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહા આરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા.બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.

મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા

પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી પ્રથમ ઘટના

ચાણોદમાં ઉજવાતા ગંગા દશાહરા પર્વના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપસ્થિત રહી મહા આરતી, પૂજન, અભિષેકનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ ચાંણોદના નગરજનોના આમંત્રણને માન આપી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાણોદ ખાતે ઉપસ્થિત રહેતા શૈલેષભાઇ મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ(પોર),જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,શશીકાંતભાઈ પટેલ, ગંગા દશાહરા પર્વના મુખ્ય આયોજક સુરેશભાઈ જાેષી તેમજ ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.