લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1980
વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે ગિરનાર યાત્રાએ આવેલા ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને સીડીઓ પરથી જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. પરિવારજનો અને યાત્રિકોની નજર સામે બનેલી આ ઘટનાએ ભય અને અરેરાટીનો માહોલ સર્જ્યો હતો. બાદમાં વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ કલાકો સુધી શોધખોળ કર્યા બાદ જંગલમાંથી બાળકના અવશેષો કબજે લીધા હતા.છેલ્લા ૨૫ દિવસમાં માણસ પર સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના હોવાનું સામે આવતા ગિરનાર સહિત સિંહોના રહેણાંક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.પરિવારની આંખો સામે સિંહ બાળકને ખેંચી ગયો
મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર યાત્રા માટે જૂનાગઢ આવ્યો હતો. પરિવાર વહેલી સવારે દર્શન માટે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. ગેટથી અંદાજે ૫૦ જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળ ચાલતા બાળક મયુરસિંહ પર ઝંપલાવ્યું હતું.બાળક પોતાના કાકાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો, પરંતુ સિંહ હુમલો કરીને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો હતો.
વન રાજ્યમંત્રી પ્રવીણ માળી : ગિરનારમાં માનવ પર સિંહના હુમલાની પ્રથમ ઘટના
ગિરનાર પર્વત પર ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગિરનાર પર્વત પર માનવ પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના છે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.વનમંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ત્રણ શંકાસ્પદ સિંહોને બેભાન કરીને પકડી લેવામાં આવ્યા છે.હાલ ત્રણેય સિંહોને વૈજ્ઞાનિક અને પશુચિકિત્સકીય તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.પ્રવીણ માળીએ સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયથી માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંહોના વર્તનમાં આવી રહેલા ફેરફારોનું વૈજ્ઞાનિક કારણ જાણવા માટે વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને વિશેષ અભ્યાસ સોંપવામાં આવ્યો છે.સિંહોની પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, માનવ વસાહતો તરફ તેમની અવરજવર શા માટે વધી રહી છે અને હુમલાઓ પાછળના કારણો શું છે, તે મુદ્દાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે..