લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026 |
2178
ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં પોલીસને શનિવારે મોડી રાત્રે નેશનલ હાઈવે ૮ પર ચંદ્રાલા નાકા પોઇન્ટે વાહન ચેકિંગ દરમિયાન હથિયારો ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશન દરમિયાન ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને ૨૯ જીવતા કારતુસ સહિત અંદાજિત કુલ ૯૦ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસની ટીમે ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ પાસે હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન દિલ્હી-અમદાવાદ રૂટની રવીના ટ્રાવેલ્સની બસને રોકી, ડ્રાઈવર અને કંડકટરની હાજરીમાં મુસાફરોના સામાનની તપાસ શરૂ કરી હતી. બસમાં સ્લીપિંગ સીટ નંબર ઈહ્લ પર બેઠેલા બે શખ્સો પોલીસને જાેઈને ગભરાઈ ગયા હતા જેના કારણે તેમની પાસે રહેલા થેલાની તલાશી લેવામાં આવી.પોલીસને કપડાંની વચ્ચે પ્લાસ્ટિકની થેલીમાં બે હાથબનાવટની પિસ્ટલ એક દેશી તમંચો અને ૨૯ જીવતા કારતુસ મળ્યા હતા. પીઆઈ એસ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી નાકા પોઇન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.આ ઓપરેશનમાં ૨૮ વર્ષીય રવિન્દ્રસિંગ દેશરાજસિંગ જાટ (હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, કડોદરા, સુરત મુળ રહે. ધોલપુર, રાજસ્થાન) અને ૧૯ વર્ષીય યુવરાજસિંગ સોવરનસિંગ જાટ (રહે. ધોલપુર, રાજસ્થાન)ને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી પિસ્ટલ, તમંચો, મેગેઝીન, કારતુસ, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ૮૯,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ હથિયારો રાજસ્થાનથી લાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર પાડ્યું છે. આરોપીઓએ હથિયારો ગુજરાતમાં કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.તપાસમાં આગળ વધતાં હથિયારોના રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ચિલોડા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.