આણંદ, મહુધા, તા.૨૨ 

ખંભાત માર્કેટ યાર્ડમાં કર્મચારીઓએ વિવિધ માગણીઓ મુદ્દે ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહેશે. આજ રોજ ખંભાત એપીએમસીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહિ ગુજરાત બજાર સમિતિ સંઘના કર્મચારીઓએ માગણીઓ નહિ સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતીક ઉપવાસ આંદોલન માટેની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે ખંભાત માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજયસિંહ રાહોલે જણાવ્યું હતું કે, તા.૬ મેના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા ૨૬ જેટલાં સુધારાં અમલી બનાવ્યાં છે. જેને આવકારવામાં આવે છે, પરંતુ આ સુધારાં પૈકી અમુક સુધારા બજાર સમિતિઓના કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે. આ મુદ્દે સરકારમાં ગુજરાત બજાર સમિતિ સંઘે રજૂઆત કરી છે, તેમ છતાંય આજદિન સુધી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાયો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કર્મચારીઓને સેલેરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવા પાત્ર લાભો મળતાં રહે તેવી વિવિધ માગણીઓ છે, જેનાં વિરોધમાં કર્મચારીઓ ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહી વિરોધ નોંધાવશે.

મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરશે 

મહુધાઃ મહુધા માર્કેટ યાર્ડના કર્મચારીઓની વિવિધ માગણીઓના મુદ્દે ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવેલ છે. તેમજ આગામી દિવસોમાં તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો પ્રતીક ઉપવાસ આંદોલનની પણ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘએ ચીમકી ઉચ્ચારી છે. મહુધા માર્કેટ યાર્ડના સેક્રેટરી વિજેન્દ્રસિંહ ભોજાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બજાર ધારામાં વટ હુકમથી ૨૬ જેટલાં સુધારાં અમલી બનાવ્યાં છે. જેને આવકારવામાં આવે છે, પરંતુ આ સુધારાં પૈકી અમુક બજાર સમિતિના કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે.