ગોગરા હાઇટ્‌સ પર પણ નરમ પડ્યું ચીન, સૈન્ય હટાવશે
04, ઓગ્સ્ટ 2021 1287   |  

દિલ્હી-

ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી ૧૨ મી ટોચની કમાન્ડર સ્તરની બેઠકની અસર દેખાવા લાગી છે. 'ડ્રેગન' હવે પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્‌સ વિસ્તારમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા સંમત થયું છે. ગોગરા હાઇટ્‌સ વિસ્તારમાં, બંને દેશોની સેનાઓ ગયા વર્ષે મે મહિનાથી સામ સામે છે. આ વિસ્તાર પેટ્રોલિંગ પોઇન્ટ ૧૭એ તરીકે પણ ઓળખાય છે.

ફેબ્રુઆરીમાં પેંગોંગ લેક વિસ્તારમાંથી સેનાને પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારથી ગોગરા હાઇટ્‌સ વિસ્તારમાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દો પડતર હતો. હવે કેટલાક મીડિયા રિપોટ્‌ર્સમાં, સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગોગરા હાઇટ્‌સને લઈને બંને દેશોની સેનાઓ વચ્ચે સમજૂતી થઈ છે. બંને દેશો વચ્ચે થયેલા આ કરાર પર કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. જે અંતર્ગત બંને દેશોની સેના ગોગરા હાઇટ્‌સથી જલ્દીથી હટી શકે છે.

૩૧ જુલાઈનાં રોજ બંને દેશો વચ્ચે ટોચની સૈન્ય કક્ષાની મંત્રણા વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનનાં મોલ્ડોમાં યોજાઈ હતી. ત્યાર બાદ ૨ ઓગસ્ટનાં રોજ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે વિવાદનાં અન્ય ક્ષેત્રોને ઝડપથી ઉકેલવા માટે સંમતિ વ્યક્ત કરવામાં આવી છે. વિવાદ ઉકેલવાની દિશામાં બંને દેશોએ આ બેઠકને મહત્વની ગણી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંને દેશો વચ્ચે હજુ પણ પેટ્રોલિંગ પોઈન્ટ-૧૫ હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ પ્લેન્સનો વિવાદ ઉકેલાયો નથી. પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે ઉદ્ભવેલા વિવાદ બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના સંઘર્ષને કારણે સરહદ પરની સ્થિતિ તંગ છે. આ તણાવ ઘટાડવા માટે અત્યાર સુધી અનેક રાઉન્ડની મંત્રણા યોજાઈ ચુકી છે. ત્યાર બાદ હાલમાં એલએસીની નજીક શાંતિ છે પરંતુ તંગદીલી ઓછી થઇ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution