દિલ્લી-

ચીન દ્વારા યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનાં ૧૯૯૮નાં ઠરાવને ટાંકીને ભારતનાં મિસાઈલ્સ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભારત ટૂંક સમયમાં આંતરખંડીય બેલાસ્ટિક મિસાઈલ્સ અગ્નિ -૫નું પરીક્ષણ કરવાનું છે ત્યારે ચીને ફરી તેની અવળચંડાઈ દર્શાવી છે. ૫૦૦૦ કિ.મી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી આ મિસાઈલ્સની રેન્જમાં ચીનનાં અનેક શહેરો આવી જતા હોવાથી ચીને તેની સામે વિરોધ દર્શાવ્યો છે. બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિમાલયની વિવાદિત બોર્ડર પરથી સેના પાછી ખેંચવી જરૃરી છે તેવી સાફ વાત ભારત દ્વારા ચીનને કરવામાં આવી છે. ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકરે દુશાંબે ખાતે ચીનનાં વિદેશપ્રધાન વાંગ યી સાથેની વાતચીતમાં સરહદી વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના ઉકેલની તરફેણ કરી હતી. જયશંકરે ટિ્‌વટ કર્યું હતું કે, બંને દેશોએ બોર્ડર એરિયામાંથી સેના પાછી ખેંચવાનો મુદ્દો ચર્ચ્યો હતો. શાંતિ અને સ્થિરતા માટે આ દિશામાં પ્રગતિ સાધવી જરૃરી છે જે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અનિવાર્ય છે તેવો સંદેશ ચીનને આપવામાં આવ્યો હતો. ચીને તેનાં ભારત સાથેનાં સંબંધોને ત્રીજા દેશની નજરે મૂલવવા જાેઈએ નહીં. તેમનો ઈશારો આ સંદર્ભમાં ચીન સાથેનાં પાકિસ્તાનનાં સંબંધો તરફ હતો. બંને દેશોએ કેટલાક મહત્ત્વનાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી હતી.