વોશિંગ્ટન-
અમેરીકી પ્રમુખ જો બાયડેને આશા રાખી હતી કે, અમેરીકા અને ચીન વચ્ચે જે પડકારો જોવા મળે છે, તેને પગલે બંને દેશો વચ્ચે સંઘર્ષ નહીં ઊભો થાય બલકે ગળાકાપ સ્પર્ધા થશે.
પોતે આપેલા એક ઈન્ટર્વ્યુમાં બાયડેને કહ્યું હતું કે, તેઓ પ્રમુખ બન્યા ત્યારબાદ તેમણે ચીનના રાષ્ટ્રપતિ જિન પિંગ સાથે વાત કરી નથી. તેમણે કહ્યું હતું કે, જિન પિંગ ખૂબ જ આકરા છે અને ભલે ટીકાત્મક ભાષામાં હું નથી વાપરવા માંગતો પણ કહું છું કે તેમનામાં લોકતાંત્રિક ગુણ નથી. હું તેમને કહેતો આવ્યો છું કે, આપણે બે દેશોએ વિગ્રહમાં ઉતરવાની જરૂર નથી, પણ બંને દેશો વચ્ચે સ્પર્ધાની ચરમસીમા જરૂર આવવાની છે.
પોતાના પૂરોગામી રાષ્ટ્રપતિનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું હતું કે, હું એમની જેમ નથી કરવાનો પણ અમે આ માટે આંતરરાષ્ટ્રીય કાનૂનોને અનુસરીશું.
અમેરીકામાં ચીનને વ્યૂહાત્મક રીતે અમેરીકા માટે સૌથી પ્રતિકુળ દેશ અને વૈશ્વિકમંચ પર પડકાર તરીકે જોવામાં આવે છે. ચીન સાથે વેપારની દ્રષ્ટિએ ભારે ખાધ ધરાવતું હોવા છતાં અમેરીકાને ટ્રમ્પના ખુલ્લેઆમ શાબ્દિક પ્રહારો અને સંઘર્ષથી ખાસ કોઈ ફાયદો નહોતો થયો. બાયડેન સરકારે ટ્રમ્પ સરકાર દરમિયાન ઊભા થયેલા અનેક વિવાદોને પદ્ધતિસર રીતે સમાપ્ત કર્યા છે અને સાથે જ સંદેશ પણ આપ્યો છે કે, અમેરીકા પોતાના હિતોની જાળવણી કરશે જ.
Loading ...