ગાંધીનગર વિશ્વવ્યાપી મહામારી કોરોના, કોવિડ-૧૯ના સંક્રમણ સામેના જંગમાં ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીતવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ હેતુસર ગુજરાતમાં ૬૦ હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ ૧૦ લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓ ત્વરાએ મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાતી કોર કમિટિની બેઠકમાં રૂપાણીએ આ ઔષધિઓ મેળવવા માટે સુચનાઓ આપી છે. આ ર્નિણય મુજબ રાજ્યભરના ૩૩ જિલ્લાઓ માટે ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો ૩૦ હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના કુલ ૧૦ લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. ગુજરાતમાં કોરોનાની પ્રથમ લ્હેરમાં ૯૦ લાખ પરિવારો માટે ઓર્સેનિક આલ્બમના ડોઝ, ૭૮ હજાર કિ.ગ્રામ અમૃત પેય ઊકાળા અને ૮પ હજાર કિ.ગ્રામ સંશમની વટી લોકોને પૂરી પાડી હતી. સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. ૬ માર્ચ-ર૦ર૦થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. રર એપ્રિલ-ર૦ર૧ સુધીમાં ૧૦.૭૭ કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, ૮ર.૭૦ લાખ સંશમની વટીના અને ૬ કરોડ ૩પ લાખ ઓર્સેનિક આલ્બમ-૩૦ ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે.