વડોદરા, તા.૨૪

બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશો દ્વારા છેલ્લા વર્ષોમાં નવા સભ્યોની નોંધણી કરી નથી ત્યારે હવે બીસીએના પારદર્શક વહીવટ માટે શહેર નાગરિકો અને ક્રિકેટપ્રેમીઓને સભ્ય તરીકે નોંધણી કરવાની માંગ સાથે હવે શહેર ભાજપ મેદાનમાં આવ્યું છે. શહેર પ્રમુખ ડો વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટે સંયુકત પત્રકાર પરિષદ યોજી બરોડા ક્રિકેટ એસોસિયેશનનો વહીવટ પારદર્શક રીતે ચાલે તે માટે નવા સભ્યોની નોંધણીની માગ કરી હતી. ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે અમને અનેક નાગરિકો અને ક્રિકેટપ્રેમીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બરોડા ક્રિકેટ ેએસોસિયેશનમાં વર્ષોથી નવા સભ્યોની નોંધણી બંધ કરવામાં આવી છે, જે યોગ્ય નથી. ભાજપના બંને અગ્રણીઓએ બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશો પાસે આશા રાખી છે કે ૨૬ ફેબ્રઆરીએ બરોડા ક્રિકેટ એસોસિયેશનની એજીએમ મળવા જઈ રહી છે, ત્યારે આ મુદ્દો તેમાં ચર્ચાય તેવી આશા ભાજપના અગ્રણીઓ રાખી રહ્યા છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી વડોદરાના કાર્યકરો અને નગરજનોની લાગણી હતી કે, વર્ષોથી બીસીએમાં નવા મેમ્બર્સનો સમાવેશ કરાયો નથી. તપાસમાં લોકોની લાગણી વાજબી હોવાનું જાણવા મળ્યું છે. ૨૩૬૭ મેમ્બરોના બીસીએમાં ઘણા સભ્યો બહારના છે, કેટલાક કંપનીમાં નોકરી કરે છે અને કેટલાક મેમ્બર્સ કો-ઓપરેટીવ બેંકમાં નોકરી કરે છે, બીસીએમાં સમતોલ સભ્યોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જાેઇએ. ડો. વિજય શાહે વધુમાં જણાવ્યું કે, અમે બીસીએના બંધારણનો અભ્યાસ કર્યો, જેમાં ૬ પ્રકારની મેમ્બરશિપ મળે છે. વેટર્ન મેમ્બર કેટેગરી. આ કેટેગરીમાં આશ્ચર્ય પમાડે તેમ પ્રણેતા લલિત મોદી બીસીએના મેમ્બર છે.