વડોદરા, તા.૭

વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી.

ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે.

કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.